સિહોર મીઠાઈ બજારમાં વિવિધ ફ્લેવરમાં મોદક અને છપ્પન ભોગ હવે રેડીમેઈડ મળતા થયા
શ્રીજીને પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પરંપરા લુપ્ત થવાના આરે
સિહોર શહેરમાં ગણેશજીને પ્રસાદમાં પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પ્રથા હવે લુપ્ત થવાના આરે છે. જોકે, કેટલાક ગણેશ ભક્તો હજી પણ ઘરે મોદક નો પ્રસાદ બનાવી રહ્યાં છે. પરંતુ મીઠાઈ બજારમાં વિવિધ પ્રકારના મોદક ની એન્ટ્રી બાદ હવે મોદકનો પ્રસાદ સાથે સાથે 56 ભોગ પણ હવે રેડીમેઈડ મળતા થયા છે. ગણેશ ઉત્સવ દરમિયાન સિહોર કે જિલ્લામાં એવી કોઈ મીઠાઈની દુકાન ન હશે જ્યાં મોદક મળતા ન હોય. આ ઉપરાંત હાલમાં ગણેશ મંડપમાં 56 ભોગનો ટ્રેન્ડ પણ વધુ ચાલતો હોવાથી મીઠાઈની દુકાનોમાં 56 ભોગ પણ રેડીમેઈડ મળી રહ્યો છે.
સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઓ ગણપતિબાપાને પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકનો પ્રસાદ આપવામાં આવતો હતો. પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો હોવાથી મીઠાઈની દુકાનોમાં મોટા મોદકનું વેચાણ પણ થઈ રહ્યું છે. મીઠાઈની દુકાનોમાં હાલ ગણેશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડના મોદક અને રેડીમેઈડ 56 ભોગનું વેચાણ જોવા મળી રહ્યું છે.