જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચને બીમારી દૂર કરવાના અનેક ચમત્કાર બતાવ્યા હતા અને અનેક ગણા રૂપિયા બનાવવાની લાલચ આપીને રોકડ રકમ તથા સોનું સહિત 1.28 કરોડની લૂંટ ચલાવનાર મદારી ગેંગના ચાર સભ્યોને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી 1.19 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં રાજ્યભરમાં 15 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી છે.
જામજોધપુરના ગિંગણી ગામના સરપંચ રમેશ કાલરીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાધુના શ્વાંગમાં આવેલા આરોપીઓએ સરપંચની પત્ની અને પુત્રની બીમારી દૂર કરવાનું જણાવ્યું હતું અને ચમત્કારના માધ્યમથી વધુ રૂપિયા બનાવી આપવા કહ્યું હતું. સરપંચને વિશ્વાસમાં લઇને પૂજા વિધિ કરાવવા માટે કટકે કટકે રૂ. 87.14 લાખની રોકડ રકમ તથા 84 તોલા સોનાના દાગીના સહિત 1.28 કરોડની છેતરપિંડી અને લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
એલસીબીને બાતમી મળી હતી કે લાલપુરથી જામનગર તરફ એક કારમાં એક ટોળકી સાધુના વેશમાં છેતરપિંડીના બહાને આવી રહી છે. બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને કારમાં સવાર ચાર વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. તેઓના નામ પૂછતા એકનું નામ ધારૂનાથ જવરનાથ સોલંકી- મદારી અને વાંકાનેર ના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા એ પોતાનું નામ રૂમાલનાથ સુરમનાથ પરમાર- મદારી વાંકાનેર ના ભોજપરા ગામનો વતની તેમજ જોગનાથ કાળુનાથ પરમાર- મદારી અને વિજય જવારનાથ સોલંકી- મદારી કે જેઓ પણ ભોજપરા ગામના વતની હોવાનું જણાવ્યું હતું.
એલસીબીની ટીમે ચારેય શખ્સોની પૂછપરછ કરતા તેમણે જામજોધપુરના ગીંગણી ગામના સરપંચ પાસેથી રોકડ અને સોનુ પડાવી લીધું હોવાનું કબૂલ લીધું હતું.આ ગુનામાં તેમના બે સાગરીતો ભોજપરા ગામના બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જાલમનાથ વિરમનાથ પરમાર પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસે ચારેય શખ્સો પાસેથી 75.40 લાખની રોકડ રકમ, 41.57 લાખના સોનાના દાગીના, ઇકો કાર અને પાંચ મોબાઈલ સહિત 1.19 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.