કોરોનાનો નવો વેરીએન્ટ ફરી ફુંફાડા મારી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારમાં તાવ અને ઉલ્ટીના કારણે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલી 11 વર્ષની બાળાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં ગાંધીગ્રામ ગૌતમનગર શેરી નં.2માં રહેતી રાધિકા અંગત રાય (ઉ.11) નામની બાળકીને વહેલી સવારે બિમારી સબબ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું. ધોળકીયા સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી બાળાને ગઈકાલે સવારથી તાવ આવતો હતો અને ઉલ્ટી થતી હોય જેના કારણે બેભાન થઈ ગઈ હતી.
બે ભાઈની એકની એક બહેનના પિતા અંગત રાય મુળ ઉત્તરપ્રદેશનાં વતની છે અને રાજકોટમાં કલર કામના કોન્ટ્રાકટ રાખી મજુરી કામ કરે છે. કોરોનાએ ફરી ઉપાડો લીધો છે ત્યારે બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ લાશનો કબજો મેળવી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના પરિવારજનોના કોરોનાના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકીના પરિવારજનોના કહેવા મુજબ આ બાળાને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો હતો. ત્યારબાદ ગત રાત્રે અચાનક ઉલ્ટી થતાં બેભાન થઈ ગઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યુ હતું.