દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. મોટાભાગના કેસો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી આવી રહ્યા છે.
જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં તેનો ગ્રાફ 32 ટકા વધ્યો છે. 2017 થી 2021 ની વચ્ચે દેશમાં 56 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તેમાં 33 ટકા ઓબીસી અને 20 ટકા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે.
આત્મહત્યાનું કારણ શું છે
વિદ્યાર્થીઓના આત્મહત્યાના મુખ્ય કારણોમાં અભ્યાસનું દબાણ, નિષ્ફળતાનો ડર, ગરીબી, એકલતા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને ભારતમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા દ્વારા 2022 માં એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017 થી 2021 સુધીમાં દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 56 હજાર 13 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. બીજી તરફ ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન 3002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.
આ રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે, આ મામલે ગુજરાત 7માં સ્થાને છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ IIT, IIM, NIT, સેન્ટ્રલ યુનિવર્સિટી, AIMS જેવી દેશની ટોચની કોલેજોમાં વર્ષ 2019 દરમિયાન 13089 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2017માં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા 9905 હતી.
પછાત વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ
આત્મહત્યા કરનારાઓમાં 33 ટકા અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ હતા, જ્યારે 22 ટકા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ હતા. વર્ષ 2021ની વાત કરીએ તો દેશમાં દરરોજ 35 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. દેશમાં 2017માં 9905, 2018માં 10159, 2019માં 10334, 2020માં 12526 અને 2021માં 13089 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.
ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 2017માં ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 638 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. બીજી તરફ 2018માં 570, 2019માં 575, 2020માં 597 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી જ્યારે 2021માં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 622 હતી.