ભારતના સૌથી મોટા રાષ્ટ્રીય પરિવહનકાર ભારતીય રેલવેએ મહારાષ્ટ્રના નાગપુરથી છત્તીસગઢના બિલાસપુર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકી દીધી છે. એક સ્થાનિક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ, મુસાફરોની ભારે અછતને કારણે સેમી હાઈ સ્પીડ ટ્રેનને રદ કરવી પડી હતી. સરકારી સૂચના મુજબ વંદે ભારત ટ્રેનના રેકને તેજસ એક્સપ્રેસથી બદલવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે તેજસ એક્સપ્રેસને ભારતમાં સૌથી ઝડપી ટ્રેન તરીકે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હવે વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વંદે ભારત રેકનો ઉપયોગ આગળ જતા તિરુપતિ-સિકંદરાબાદ રૂટ પર કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસનો નાગપુર-બિલાસપુર રૂટ એ તમામ 15 રૂટમાં સૌથી ઓછો ઓક્યુપન્સી ધરાવે છે કે જેના પર ટ્રેનનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર, ટ્રેન માત્ર 50 ટકા મુસાફરો સાથે રવિવારે નાગપુર જંક્શન પર પહોંચી હતી. તેજસ એક્સપ્રેસ આ જ રૂટ પર દોડશે અને તેનો સમય વંદે ભારત એક્સપ્રેસ જેટલો હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2022માં નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરી હતી. નિષ્ણાતોના મતે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોના ઓછા ભાર પાછળનું સૌથી મોટું કારણ ભાડાના ઊંચા ભાવ છે.
બિલાસપુર-નાગપુર રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટની કિંમત રૂ. 2,045 છે, જ્યારે એસી ચેર કારની ટિકિટ વ્યક્તિ દીઠ રૂ. 1,075 છે. તેજસ એક્સપ્રેસ 2017 માં ભારતની પ્રથમ કોર્પોરેટ ટ્રેન તરીકે શરૂ કરવામાં આવી હતી, જે સંપૂર્ણપણે ભારતીય રેલવેની પેટાકંપની IRCTC દ્વારા સંચાલિત છે. વંદે ભારત એક્સપ્રેસની રજૂઆત સુધી, તેજસ એ એલઇડી ટીવી, વાઇફાઇ અને સીસીટીવી જેવી સુવિધાઓ સાથેની સૌથી વૈભવી ટ્રેન હતી.