ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં સાતમા પગાર પંચ હેઠળ પૂર્વવર્તી અસરથી આઠ ટકા વધારાની જાહેરાત કરી હતી. એક સરકારી રિલીઝમાં જણાવાયું છે કે સાતમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવેલા ઓછામાં ઓછા 9.38 લાખ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આ વધારાનો લાભ મળશે.
ડીએમાં ચાર ટકાના વધારાનો લાભ જુલાઇ 2022થી પાછલી અસરથી આપવામાં આવશે, જ્યારે વધારાનો ચાર ટકાનો વધારો 1 જાન્યુઆરી, 2023થી લાગુ થશે. આ વધારો કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ કરવામાં આવ્યો છે. આ વધારો પાછલી અસરથી લાગુ કરવામાં આવી રહ્યો હોવાથી, રાજ્ય સરકાર બાકીની રકમ ત્રણ હપ્તામાં ચૂકવશે.
પ્રથમ હપ્તો જૂનમાં આપવામાં આવશે, જ્યારે બીજો અને ત્રીજો હપ્તો ઓક્ટોબર 2023માં તે મહિનાના પગાર સાથે આપવામાં આવશે, એમ રિલીઝમાં જણાવાયું છે. રીલીઝ મુજબ, ડીએમાં વધારો કરવાથી રાજ્યની તિજોરી પર રૂ. 4,516 કરોડનો વધારાનો બોજ પડશે.