વિદેશ મંત્રી એસ. જયશંકર રવિવારે ગુજરાતની રાજ્યસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ સોમવારે ઉમેદવારી નોંધાવશે. ભાજપના એક કાર્યકર્તાએ આ માહિતી આપી હતી. ભાજપના ગુજરાત એકમના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જયશંકર સોમવારે ઉમેદવારી પત્ર ભરવાના છે. નોંધનીય છે કે જયશંકર અને ગુજરાતના અન્ય બે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.
જયશંકરનું અમદાવાદ એરપોર્ટ પર મંત્રી રાઘવજી પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ભાજપના અન્ય કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. ભાજપે 3 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી નથી જેના માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જોકે જયશંકરનું નામાંકન નિશ્ચિત હતું. કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે તે ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરશે નહીં કારણ કે તેની પાસે 182 સભ્યોની વિધાનસભામાં પૂરતા ધારાસભ્યો નથી.
કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારે
ગયા વર્ષના અંતમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી હતી. કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતી હતી, જે રાજ્યની રચના પછી તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ‘અમારી પાર્ટી પાસે 182 સભ્યોની વિધાનસભામાં જરૂરી સંખ્યા નથી. એટલા માટે અમે રાજ્યમાં આવનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર નહીં ઉભા કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકોમાંથી 8 ભાજપ પાસે છે, જ્યારે અન્ય 3 કોંગ્રેસના સભ્યો પાસે છે.
નોમિનેશનની છેલ્લી તારીખ 13 જુલાઈ
ભારતના ચૂંટણી પંચે ગયા મહિને જાહેરાત કરી હતી કે ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. ભાજપની 8 બેઠકોમાંથી 3 બેઠકો 18 ઓગસ્ટે ખાલી થશે. વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ પણ આ દિવસે પૂરો થઈ રહ્યો છે. આ ત્રણેય બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ અને પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે. જરૂર પડશે તો 24 જુલાઈએ મતદાન થશે.