રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ ત્રાટક્યો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીર ની આવક થઈ છે. તો સ્થાનિક નદીઓ ગાંડીતુર બનીને વહી હતી. આ ઉપરાંત વાવણી કરાયા બાદ ખેડૂતોના કાચા સોના જેવા પાક પર વરસાદ પડતા પાક પણ લહેરાઈ રહ્યા છે જેને લઇને ખેડૂતોના હૈયા હરખાયા હતા. વરસાદ અંગે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેશોદમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાહેર થવા પામ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કેશોદમાં 5.5 ઇંચ, પલસાણામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, વાપીમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. તે જ રીતે વિસાવદરમાં સવા 3 ઈંચ, ગણદેવીમાં 3 ઈંચ, કપરાડામાં 2.5 ઈંચ, તિલકવાડામાં સવા 2 ઈંચ, ધોરાજીમાં સવા 2 ઈંચ, સુત્રાપાડામાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
તો ઉમરપાડામાં સવા 2 ઈંચ, વંથલીમાં 2 ઈંચ, સુરતમાં 2 ઈંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ પાટણ-વેરાવળમાં પોણા 2 ઈંચ, ભેસાણમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
કેશોદમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને લઈને આ પંથકના નદીનાળા અને ચેક ડેમો છલકાઈ ઉઠ્યા હતા. તો ઉતાવળી, ટોલોળી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. વધુમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ અને કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. તો અમુક ગામના કાચા રસ્તા પણ ધોવાયા જોવાનું જાણવા મળી રહ્યું છે.