આસામના નાગાંવ શહેરમાં લગભગ 5 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.
800 ગ્રામ શંકાસ્પદ હેરોઈન ઝડપાયું
એક સૂચના પર કાર્યવાહી કરતા, નાગાંવ જિલ્લા પોલીસની એક ટીમે શુક્રવારે નાગાંવ શહેરના ક્રિશ્ચિયન બસ્તી વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું અને 800 ગ્રામથી વધુ હેરોઇન જપ્ત કર્યું. નાગાંવ જિલ્લાના પોલીસ અધિક્ષક નબનનીત મહંતે જણાવ્યું હતું કે, “ટીપ-ઓફના આધારે, અમે ક્રિશ્ચિયન બસ્તી વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું. અમે ત્રણ વ્યક્તિઓ પાસેથી લગભગ 800 ગ્રામ શંકાસ્પદ હેરોઈનના 60 કાર્ટન રિકવર કર્યા અને જપ્ત કર્યા.”
5 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત આશરે રૂ. 5 કરોડ હોવાનો અંદાજ છે. ધરપકડ કરાયેલા લોકો દીમાપુરથી નાગાંવ સુધી ડ્રગ્સનું પરિવહન કરતા હતા.” ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ચાનુ શેખ, ગુલઝાર હુસૈન અને નિઝામુદ્દીન તરીકે થઈ છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ગેંગમાં સામેલ અન્ય આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
અગાઉ પણ પોલીસના દરોડામાં ડ્રગ્સ મળી આવ્યું હતું
આ પહેલા ગુરૂવારે આસામ પોલીસે આસામના કરીમગંજ જિલ્લામાં ગાંજાનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો અને છ લોકોની ધરપકડ કરી હતી. કરીમગંજ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રગ વિરોધી અભિયાનમાં, નીલમ બજાર પોલીસ સ્ટેશનની ટીમે કરીમગંજ જિલ્લાના નીલમ બજાર સ્ટેશન રોડ પર 33.5 કિલો ગાંજા જપ્ત કર્યો હતો.