ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ તાંડવ કર્યું હોય એવી સ્થિતિ ઉભી થઈ હતી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. તેવામાં જુનાગઢમાં પૂર જેવી સ્થિતિથી લઈ અમદાવાદમાં 4 કલાક ખાબકેલા વરસાદે ધમાલ કરી હતી. નોંધનીય છે કે આ દરમિયાન મંગળવારથી એટલે આજથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર ઘટી શકે છે. વિગતો પર નજર કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે પરંતુ ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી નથી.
કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ભાવનગર, અમરેલી, સુરત, ભરુચ અને વલસાડમાં આજે પણ ધોધમાર વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા સાથે અહીં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. તો બીજી બાજુ જોવાજઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આની સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોને આવરી લઈએ તો લગભગ આગામી 24 કલાકની અંદર વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી રહી છે.
અતિભારે વરસાદની સંભાવના નહિવત
નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. એટલું જ નહીં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ 28 જુલાઈ સુધી પડી શકે છે. એટલું જ નહીં ભારે વરસાદની શક્યતાઓ હવે નહિવત જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતોએ પણ આ અંગે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હવે મેઘરાજા થોડા સમય સુધી વિરામ લઈ શકે છે.
કેમ વરસાદનું ઝોર ઘટ્યું?
પ્રાપ્ત વિગતો પ્રમાણે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે અત્યારે મધ્યપ્રદેશમાં જે સક્રિય અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ચાલી રહી હતી તેનાથી અમદાવાદમાં 3 દિવસ હળવાથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહીં આ સિસ્ટમથી અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જોકે હવે આ સિસ્ટમ આગળ વધી જતા 24થી 48 કલાકની અંદર વરસાદનું જે જોર છે તે ઘટી જશે. આની સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ પણ પડશે.