આસામના સિલ્ચરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT) ના ત્રણ ખાનગી સુરક્ષા ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે વિદ્યાર્થીઓના એક જૂથે મોબાઇલ ફોનની ચોરીની શંકામાં રસોઈયા પર હુમલો કર્યો હતો. અહીંના અધિકારીઓએ સોમવારે આ કેસ સાથે જોડાયેલી માહિતી આપી હતી.
પોલીસે કહ્યું કે તેઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને સંસ્થાએ પણ તપાસના આદેશ આપ્યા છે. એનઆઈટીના એક અધિકારીએ જોકે જણાવ્યું હતું કે આ ઘટના ગયા અઠવાડિયે કેમ્પસમાં બની હતી અને સપ્તાહના અંતે તેનો વીડિયો સાર્વજનિક થઈ ગયો હતો.
NITના ત્રણ સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ
તેમણે કહ્યું કે ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેલા ત્રણ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે સંસ્થાએ આ મામલાની તપાસ કરવા માટે 15 સભ્યોની સમિતિની રચના કરી છે, જેને 4 ઓગસ્ટ સુધીમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોન ચોરી કરવાનો આરોપ લગાવીને ત્રણ રસોઈયાને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી NITના વિદ્યાર્થીઓની તોડફોડની સોશિયલ મીડિયા પર સખત નિંદા થઈ રહી છે.