સતત વધી રહેલા ફુગાવાના દરને ઘટાડવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડે ફરી વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સાથે ઈંગ્લેન્ડમાં વ્યાજ દર વધીને 15 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જાણકારી અનુસાર બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો વ્યાજ દર ક્વાર્ટર ટકા વધીને 5.25 ટકા થયો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા સતત 14મી વખત વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.
મોંઘવારી દરને 2% સુધી લાવવાનો લક્ષ્યાંક
રોઇટર્સના અહેવાલ મુજબ, BoE ગવર્નર એન્ડ્ર્યુ બેઇલીએ કહ્યું કે બ્રિટિશ સેન્ટ્રલ બેંકે ધિરાણની કિંમત વધારવી પડી શકે છે. BoE દ્વારા બહાર પાડવામાં આવેલી વિડિયો ક્લિપમાં, બેઇલીએ જણાવ્યું હતું કે, ‘અમારો પ્રયાસ છે કે ફુગાવાનો દર 2%ના નિશ્ચિત લક્ષ્ય સુધી આવે અને તે સમાન સ્તરે રહે.’ તેમણે એમ પણ કહ્યું કે જો મોંઘવારી દરમાં ઘટાડો નહીં થાય તો વ્યાજ દરમાં ફરીથી વધારો કરવો પડી શકે છે.
ફુગાવો ઘટીને 4.9% થવાની ધારણા
ઇંગ્લેન્ડમાં 2 ટકાના લક્ષ્યાંક કરતાં ચાર ગણા કરતાં વધુ ફુગાવા સાથે, અર્થશાસ્ત્રીઓ કહે છે કે વ્યાજ દરનો અંદાજ મોટે ભાગે ફુગાવો કેટલી ઝડપથી નીચે આવે છે તેના પર નિર્ભર રહેશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે 2023ના અંત સુધીમાં ફુગાવાનો દર ઘટીને 4.9% થવાની ધારણા છે. ગવર્નર એન્ડ્ર્યુ બેઇલીએ પણ કહ્યું કે મોંઘવારી દર સતત નીચે આવી રહ્યો છે જે એક સારો સંકેત છે.
એક સપ્તાહ પહેલા યુએસ ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મોંઘવારીનો સામનો કરવા માટે યુએસ સેન્ટ્રલ બેંક સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેંકો ધિરાણની કિંમત વધારી રહી છે. વ્યાજ દર વધારીને ફુગાવો ઘટાડી શકાય છે. આનાથી ગ્રાહકો અને વ્યવસાયો માટે ઘર, કાર અથવા કોઈપણ સાધન ખરીદવા માટે ઉધાર લેવું વધુ મોંઘું બને છે.