ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ સાથે શીખોને ન્યાય આપીને શીખ સમુદાયને મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે. એક પબ્લિશિંગ ગ્રુપ દ્વારા ટેબલ બુક ‘સિખ્સ એન્ડ મોદી, અ જર્ની ઓફ 9 યર્સ’નું વિમોચન કર્યા બાદ શીખ સમુદાયના સભ્યોને સંબોધતા તેમણે કહ્યું કે પીએમ મોદીએ શીખ સમુદાય માટે જે કર્યું છે તે અત્યાર સુધીના કોઈપણ નેતા કરતાં વધુ છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ કહ્યું કે, 1984ના શીખ વિરોધી રમખાણોમાં સામેલ લોકો સામે 30 વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકોને રક્ષણ મળ્યું. મોદી સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી અને શીખ વિરોધી રમખાણોમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
33 વર્ષ બાદ દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ તેમની દૂરંદેશી અને હિંમતથી એવા ઘણા મુદ્દાઓ ઉકેલ્યા જે વર્ષોથી વણઉકેલાયેલા હતા. નડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ક્યારેય ખુરશી (પીએમ પદ)ની પરવા કરી નથી. તેમણે હંમેશા દેશની ચિંતા કરી અને દેશ માટે જે જરૂરી હતું તે કર્યું. તેમણે કહ્યું કે, મોદી સરકારે લંગર વસ્તુઓ પર જીએસટી માફ કરીને ગુરુદ્વારાઓને પણ મોટી રાહત આપી છે.
વડાપ્રધાનની પહેલ પર અમેરિકાથી ગુરુ હરગોવિંદ સિંહની નાની તલવાર સહિત 150થી વધુ કલાકૃતિઓ પરત લાવવામાં આવી હતી. નડ્ડાએ શીખ સમુદાય પ્રત્યે વડા પ્રધાનની પ્રતિબદ્ધતા અને તેમની સરકાર દ્વારા શીખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર સાહિબ કોરિડોર ખોલવા, દેશના વિવિધ શીખ તીર્થસ્થાનોને જોડવા માટે કેન્દ્રનો પ્રોજેક્ટ સહિત અનેક પગલાંઓ તરફ પણ ધ્યાન દોર્યું.