ઈઝરાયેલે ઈરાનને કડક ચેતવણી આપી છે. મોસાદ ચીફ ડેવિડ બાર્નિયાએ કહ્યું કે જો ભવિષ્યમાં ઈરાન અથવા તેની સાથે જોડાયેલા લોકો પર હુમલો થશે તો ઈરાનને પરિણામ ભોગવવા પડશે. મોસાદ ચીફે ખુલાસો કર્યો છે કે છેલ્લા એક વર્ષમાં ઈરાનના 27 હુમલા નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા અને તેના સહયોગીઓએ ઈરાન દ્વારા વિશ્વભરમાં ઈઝરાયેલ અને યહૂદીઓના ટાર્ગેટ પર કરવામાં આવેલા 27 હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.
બરનિયાએ કોન્ફરન્સમાં વાત કરી, આપી કડક ચેતવણી
આ સાથે તેણે ધમકી આપી અને ચેતવણી પણ આપી કે જો ભવિષ્યમાં ઈરાન અથવા તેની સાથે જોડાયેલા લોકો હુમલો કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઇઝરાયેલના હર્ઝલિયામાં રીચમેન યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કાઉન્ટર-ટેરરિઝમની વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા, બાર્નિયાએ જણાવ્યું હતું કે, ‘જે ટુકડીઓ પકડવામાં આવી હતી અને જે હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા, તે બધાએ ટાર્ગેટ બનાવ્યા હતા. તેઓએ યુરોપ, આફ્રિકા, દૂર પૂર્વ અને દક્ષિણ અમેરિકામાં હુમલો કરવાનો હતો.
ઈરાનના ઘણા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા
છેલ્લા કેટલાક મહિનાઓમાં, ઇઝરાયેલ અને અન્ય પશ્ચિમી સુરક્ષા એજન્સીઓએ આ ક્ષેત્રમાં ઇરાન સાથે જોડાયેલા ઘણા હુમલાઓને ઝડપથી નિષ્ફળ બનાવ્યા છે. માર્ચમાં ગ્રીક પોલીસે એથેન્સમાં એક યહૂદી રેસ્ટોરન્ટ સામે આતંકવાદી હુમલાની યોજના બનાવી રહેલા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી.
આખી દુનિયામાં યહૂદીઓને નુકસાન થઈ રહ્યું છે.
બાર્નિયાએ કહ્યું કે ‘અમે વિશ્વભરમાં યહૂદીઓ અને ઇઝરાયેલી મૂળના લોકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને સફળ થવા દઇશું નહીં. તેમણે કહ્યું કે હાલમાં યહૂદીઓને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સતત વધી રહ્યા છે. અમે હાલમાં ઈરાનનો મુકાબલો કરવામાં પણ વ્યસ્ત છીએ, જેથી તેને વિશ્વભરમાં યહૂદીઓ અને ઈઝરાયલીઓની હત્યા કરતા અટકાવી શકાય. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાનને આમ કરવાની કિંમત ચૂકવવી પડશે.