ગુજરાતમાં ભારે વરસાદ પછી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને બચાવ્યા. NDRFના જણાવ્યા અનુસાર, NDRFની ટીમ જૂનાગઢ જિલ્લાના અખા ગામમાં સાંજે 6:50 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે એક વૃદ્ધ વ્યક્તિ અને અન્ય 4 ગ્રામજનોને અલગ-અલગ જગ્યાએથી સુરક્ષિત રીતે બચાવ્યા હતા. સોમવારે, NDRFની ટીમોએ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 157 લોકોને બચાવ્યા હતા. NDRFએ લકેશ્વરી ગામના લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેઓ ભારે વરસાદથી પ્રભાવિત સંબંધિત જિલ્લાના કલેક્ટર સાથે સંકલન કરી રહ્યા છે અને હાલમાં NDRF અને SDRF બંનેની 10 ટુકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. પટેલે જણાવ્યું હતું કે, 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે અને વાહનોની અવરજવરને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે રસ્તાઓ પર પડેલા વૃક્ષોને દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
નર્મદા નદી પર ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના પુલ નંબર 502 પર પાણીનું સ્તર 40 ફૂટથી વધુ એટલે કે 28 ફૂટના જોખમના નિશાનથી લગભગ 12 ફૂટ ઉપર હતું, જેના કારણે રેલ્વે ટ્રાફિક બંધ અને રદ કરવામાં આવ્યો હતો. સીએમ પટેલે રાજ્યની જનતાને તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચનાઓનું પાલન કરવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે.
પશ્ચિમ રેલ્વેના એક રીલીઝ મુજબ, પૂરને કારણે મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ સહિત ઓછામાં ઓછી 18 ટ્રેનો રદ કરવામાં આવી છે. શનિવારે કેવડિયા કોલોનીમાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમના 30માંથી 23 દરવાજા 5.5 લાખ ક્યુસેક પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ ચોમાસામાં પહેલીવાર નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ રવિવારે સવારે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ તેની સંપૂર્ણ જળ સપાટી (FRL) 138.68 મીટર પર પહોંચી ગયો હતો. આના પગલે પડોશી મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાંથી વધારાનું પાણી છોડવા માટે અધિકારીઓએ 30 માંથી 23 દરવાજા ખોલવા પડ્યા હતા.