ભારતીય નૌકાદળ આવતા અઠવાડિયે વિવિધ નિર્ણાયક તકનીકો અને પ્લેટફોર્મ્સમાં આત્મનિર્ભરતાને સુનિશ્ચિત કરવા માટે વિશિષ્ટ પહેલોની રૂપરેખા આપતો નવો સ્વદેશીકરણ રોડમેપ જાહેર કરશે. બે દિવસીય મેગા સિમ્પોઝિયમમાં પાણીની અંદરના ડ્રોન, અગ્નિશામક પ્રણાલી અને રોબોટિક્સ સંબંધિત સ્વદેશી ટેક્નોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે.
આ રોડમેપ 4 અને 5 ઓક્ટોબરે યોજાનાર વાર્ષિક ‘સ્વાવલંબન’ સેમિનારની બીજી આવૃત્તિમાં બહાર પાડવામાં આવશે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે.
સેમિનારમાં 75 ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે
પ્રેસ કોન્ફરન્સમાં, નૌકાદળના વાઇસ ચીફ વાઈસ એડમિરલ સંજય જસજીત સિંહે જણાવ્યું હતું કે નૌકાદળે ગયા વર્ષે ‘સ્વાવલંબન’ સેમિનારમાં 75 ટેક્નોલોજી વિકસાવવાનું વચન આપ્યું હતું અને લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે.
સેમિનારમાં અંડરવોટર ડ્રોન, સશસ્ત્ર બોટ અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સ સહિત વિવિધ લશ્કરી હાર્ડવેરમાં વપરાતી 75 ટેક્નોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે.
ભારતીય નૌકાદળ સ્વાવલંબન પહેલમાં મોખરે છે
તેમણે કહ્યું કે ગયા વર્ષે આપેલા વચનો પૂરા કરવામાં આવ્યા છે. વાઈસ એડમિરલ સિંહે વિગતો આપ્યા વિના કહ્યું કે બે દિવસીય સેમિનારમાં ઘણા નીતિ વિષયક નિર્ણયો અને નવી જાહેરાતો બહાર આવશે. ભારતીય નૌકાદળના વાઇસ ચીફ જણાવ્યું હતું કે, ‘ભારતીય નૌકાદળ આત્મનિર્ભરતા પહેલમાં મોખરે છે. અમારા માટે આ મુખ્ય સિદ્ધાંત છે.
સ્વદેશીકરણના મોરચે વિવિધ પહેલોની યાદી આપતાં તેમણે કહ્યું કે નૌકાદળ પાસે હવે મંજૂર ઉત્પાદનોની શ્રેણી છે અને આવા ઘણા પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થશે.