મલેશિયાના વિદેશ મંત્રી ઝામ્બરી અબ્દુલ કાદિરે કહ્યું છે કે મલેશિયા, ભારત અને અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશોએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવામાં યોગદાન આપવું જોઈએ. તેમણે કહ્યું, ગાઝામાં માનવીય સંકટ આ સમયે વ્યાપક ચિંતાનો વિષય છે. ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કાદિરે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવું જોઈએ અને અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે માનવતાવાદી કોરિડોર ઝડપથી ખોલવો જોઈએ.
કાદિરે કહ્યું કે મંગળવારે સાંજે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની તેમની વાતચીતમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. દક્ષિણ ચીન સાગરમાં વધી રહેલા તણાવ પર ઝામ્બરી અબ્દુલ કાદિરે કહ્યું કે, મલેશિયા અને અન્ય આસિયાન સભ્ય દેશો નથી ઈચ્છતા કે આ ક્ષેત્ર મોટી શક્તિઓ વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધાનું ક્ષેત્ર બને.
મલેશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને મલેશિયા રાષ્ટ્રીય કરન્સીમાં વેપાર કરવા માટે એક માળખું તૈયાર કરી રહ્યા છે. યુએસ ડોલર જેવી મુક્તપણે કન્વર્ટિબલ કરન્સીનો ઉપયોગ કરવાની હાલની સિસ્ટમ ઉપરાંત રાષ્ટ્રીય ચલણમાં વેપાર માટે વૈકલ્પિક વ્યવસ્થા વિકસાવવા માટે ભારત કેટલાક ભાગીદાર દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે.
ઝાકિર નાઈક મુદ્દે કહ્યું કે જે સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપશે
ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ માટે મલેશિયાથી ભારતની લાંબા સમયથી પડતર માંગણી વિશે પૂછવામાં આવતા, કાદિરે સીધો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે કુઆલાલમ્પુર કોઈપણ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય તંત્ર ઈચ્છે છે.
નાઈકને ભારતમાં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ અને નફરતના ભાષણો દ્વારા ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા સહિતના અનેક આરોપોનો સામનો કરવો પડે છે. મલેશિયાના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે તેમનો દેશ સૈન્ય ઉપકરણોની ખરીદી સહિત ભારત સાથે સંરક્ષણ સહયોગ વધારવામાં રસ ધરાવે છે.