વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીની માહિતી આપવાના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના નિર્ણયને પડકારતી રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી.
પીટીશનમાં વડા પ્રધાનની શૈક્ષણિક ડિગ્રીઓ વિશે માહિતી પ્રદાન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને CICના નિર્દેશને રદબાતલ કરતા તેના અગાઉના આદેશની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. માર્ચમાં હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીની અપીલને મંજૂરી આપી હતી.
કેજરીવાલને મોદીની માસ્ટર ઓફ આર્ટસ (એમએ) ડિગ્રી વિશે માહિતી આપવાના સીઆઈસીના આદેશને બાજુ પર રાખીને હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કેજરીવાલે તેમની સમીક્ષા અરજીમાં ઉઠાવેલી મુખ્ય દલીલો પૈકીની એક એવી હતી કે ગુજરાત યુનિવર્સિટીના દાવાથી વિપરીત કે મોદીની ડિગ્રી ઓનલાઈન ઉપલબ્ધ છે, યુનિવર્સિટીની વેબસાઈટ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી.