ભૂકંપ પ્રભાવિત સૌથી વધુ તીવ્રતા ધરાવતા ઝોન-૫માં આવતા કચ્છ જિલ્લાના ધરતીના પેટાળમાં ફરી હલચલ વધી રહી છે. કચ્છના ભચાઉમાં પણ ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા માપવામાં આવી હતી. કેન્દ્ર બિન્દુ ભચાઉથી 15 કિલોમીટર દૂર હતું.
ગુજરાતના આઈ.એસ.આર. અનુસાર ઈ.સ.૨૦૨૨માં કચ્છમાં કોઈ મોટો એટલે કે ૪થી વધુ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો ન્હોતો, જ્યારે ઈ.સ.૨૦૨૩માં તા.૩૦ જાન્યુઆરીએ દુધઈ પાસે ૪.૨, તા.૧૭ મેના ખાવડાથી ૩૯ કિ.મી.ના અંતરે ૪.૨,નો ભૂકંપ આવ્યો હતો.
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.
જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી નજર આવે છે.