ગુજરાત સરકારે રવિવારે રાજ્યમાં પર્યટનના વિકાસ માટે રૂ. 770 કરોડનું રોકાણ કરવાના આશય સાથે 10 સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ફોર સ્ટાર રિસોર્ટ અને મનોરંજન કેન્દ્ર અને સાંસ્કૃતિક થીમ પાર્કની સ્થાપનાનો સમાવેશ થાય છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી આવૃત્તિ પહેલા આયોજિત એક કાર્યક્રમમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આગામી જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરમાં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટનું આયોજન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને રોકાણ માટે સૌથી અનુકૂળ સ્થળ તરીકે રજૂ કરવાનો છે. ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુલાભાઈ બેરાની હાજરીમાં આયોજિત 15મી વાર્ષિક બેઠકમાં એમઓયુની આપ-લે કરવામાં આવી હતી.
આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લામાં ફોર સ્ટાર રિસોર્ટ, કન્વેન્શન એરિયા સ્થાપવા માટે રૂ. 145 કરોડના રોકાણના ઉદ્દેશ્ય સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એમ રિલીઝમાં જણાવાયું હતું. તેનો ઉદ્દેશ 450 થી વધુ સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વર્લ્ડ ક્લાસ એન્ટરટેઈનમેન્ટ ઝોન અને કલ્ચર થીમ પાર્કના નિર્માણ માટે રૂ. 400 કરોડના રોકાણ માટે અન્ય એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે 1,100 લોકોને રોજગારી પૂરી પાડશે.
ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં સિનેમેટિક ટુરિઝમના હેતુ માટે રૂ. 225 કરોડના રોકાણના ઉદ્દેશ્ય સાથે બે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે 2,500 સ્થાનિક લોકો માટે રોજગારી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતને એડવેન્ચર ટુરિઝમ સ્ટેટ તરીકે વિકસાવવા માટે એકતા નગર ખાતે યોજાયેલી કોન્ફરન્સ દરમિયાન એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુલાભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર દેશ અને વિશ્વના લોકોને આકર્ષવા માટે વિકસિત થયું છે. દિવાળીની રજાઓમાં 42 લાખ લોકોએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. આજે ગુજરાતે વિશ્વના પ્રવાસન નકશા પર પોતાની ઓળખ બનાવી છે. તમામ વય જૂથો માટે પ્રવાસન ક્ષેત્રે નવીન પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવ્યા છે.