ગુજરાત સરકારે જણાવ્યું હતું કે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવાઓ ફરી શરૂ કરવામાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. આ માટેનું ટેન્ડર ગયા વર્ષે મે મહિનામાં બહાર પાડવામાં આવ્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ વિધાનસભામાં જવાબ આપ્યો
વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નો પર રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંત સિંહ રાજપૂતે કહ્યું કે ડિસેમ્બર 2023 સુધી રાજ્ય સરકારે આ સેવા માટે 17.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અત્યારે આ સેવા બંધ છે.
પીએમ મોદીએ સી પ્લેન સેવા શરૂ કરી
સી પ્લેન સેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં શરૂ કરી હતી. આ સેવા એપ્રિલ 2021માં બંધ કરવામાં આવી હતી. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના જળાશયમાંથી ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં સવાર થઈને અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતરાણ કરીને આ સેવાની શરૂઆત કરી હતી.
સી પ્લેનમાં 2,100 લોકોએ મુસાફરી કરી હતી
રાજપૂતે માહિતી આપી હતી કે આ સેવા 80 દિવસ સુધી કાર્યરત રહી અને લગભગ 2,100 લોકોએ સી-પ્લેનમાં બંને સ્થળો વચ્ચે મુસાફરી કરી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે સેવાને ફરીથી શરૂ કરવા માટે મે 2023 માં ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર પ્રક્રિયામાં રસ દાખવ્યો ન હતો.