કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ચવ્હાણની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું નામ પણ સામેલ છે. પાર્ટીએ બુધવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ભાજપની કેન્દ્રીય સમિતિએ ગુજરાતમાંથી ચાર અને મહારાષ્ટ્રમાંથી ત્રણ નામોને મંજૂરી આપી છે. ગુજરાતના ઉમેદવારોમાં ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને ડૉ. જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી મેધા કુલકર્ણી અને ડૉ.અજીત ગોપાચડેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચવ્હાણને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી.
મધ્યપ્રદેશના બીજેપી ઉમેદવારોની બીજી યાદીમાં માયા નરોલિયા, બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાયના નામ સામેલ છે. અગાઉ ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ સહિત 14 નામોની જાહેરાત કરી હતી.
મિલિંદ દેવરાને પણ ભેટ મળી
ચવ્હાણ પહેલા કોંગ્રેસ છોડી ચૂકેલા મહારાષ્ટ્રના દિગ્ગજ રાજનેતા મિલિંદ દેવરાને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયા હતા. રાજ્યમાં કોંગ્રેસને અલવિદા કહેનારા મોટા નામોમાં ચવ્હાણ અને દેવરા ઉપરાંત બાબા સિદ્દીકીનું નામ પણ સામેલ છે. તેઓ ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.
સોનિયા ગાંધી રાજ્યસભાના ઉમેદવાર બન્યા
અહીં કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. તેમણે બુધવારે પોતાનું નામાંકન પણ ભર્યું હતું. કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની યાદી અનુસાર, સોનિયા ઉપરાંત બિહારમાંથી ડો. અખિલેશ પ્રસાદ સિંહ, હિમાચલ પ્રદેશથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને મહારાષ્ટ્રમાંથી ચંદ્રકાંત હંડોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.