રૂટિનમાં પહેરવામાં આવતા અનેક કપડા એવા હોય છે જેનો રંગ જતો હોય છે. આ સાથે ઘણાં બધા કપડાનો રંગ એવો જતો હોય છે કે એ જલદી બીજા કપડામાં બેસી જાય છે. જો કે બીજો કલર જ્યારે કપડામાં બેસી જાય ત્યારે આપણે એને ફેંકી દેતા હોઇએ છીએ. આ કપડા પહેરવા આપણને ગમતા હોતા નથી. આ સમસ્યા મોટાભાગના લોકોના ઘરે થતી હોય છે. વોશિંગ મશીનમાં પણ જ્યારે કપડા વોશ કરવા નાખીએ ત્યારે આ તકલીફ થતી હોય છે. આ માટે કપડા ધોતી વખતે તેમજ વોશિંગ મશીનમાં નાખતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.
આ સરળ ટિપ્સ જોરદાર કામમાં આવશે
મીઠામાં કપડા પલાળો
કોઇ પણ કપડામાં કલર જાય છે તો તમે મીઠાના પાણીમાં એક કલાક માટે પલાળી રાખો. આ માટે મશીનમાં કપડા નાખતા પહેલાં જે કપડાનો કલર જાય છે એને મીઠાના પાણીમાં બહાર એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ મશીનમાં નાખો. આમ કરવાથી કપડાનો કલર જશે અને તમારા બીજા કપડા બગડશે નહીં.
સરકાનો ઉપયોગ કરો
કપડામાંથી કલર જાય છે તો તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. વિનેગરની મદદથી કપડાનો કલર ધીરે-ધીરે જતો બંધ થઇ જશે. વિનેગર રસોડાની અનેક વસ્તુઓ માટે ઉપયોગી સાબિત થાય છે. આ માટે કપડાને વિનેગરમાં પલાળો અને પછી 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ લો. અડધી ડોલ પાણીમાં બે મોટા ઢાંકણ વિનેગર નાખવાનું રહેશે. આ માટે તમે વોશિંગ મશીનમાં વિનેગર અને મીઠું નાખીને પછી કપડા ધોવાની આદત પાડો છો તો કલર એકબીજાને બેસશે નહીં.
સફેદ કપડામાંથી ડાઘ કાઢવા માટે બ્લિચીંગનો ઉપયોગ કરો
તમને વ્હાઇટ કપડા પહેરવાનો શોખ છે અને એમાં કોઇ ડાધ પડી જાય છે તો તમે બ્લિચીંગનો ઉપયોગ કરો. વ્હાઇટ કપડા વોશ કરવા માટે બ્લિચીંગ સૌથી બેસ્ટ છે. આ માટે અડધી ડોલ પાણી લો અને એમાં પાંચથી છ મોટી ચમચી બ્લિચીંગ નાખો. આ પાણીમાં બે કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી સફેદ કપડામાંથી ડાઘ નિકળી જશે અને ચમક પણ આવશે.