PCB Head Coach :પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 28 એપ્રિલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેની ટીમના મર્યાદિત ઓવરોના ફોર્મેટ અને ટેસ્ટ ફોર્મેટ માટે બે વિદેશી મુખ્ય કોચના નામની જાહેરાત કરી હતી. PCBએ દક્ષિણ આફ્રિકાની ટીમના ભૂતપૂર્વ ખેલાડી ગેરી કર્સ્ટનને મર્યાદિત ઓવરોના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ટેસ્ટ ફોર્મેટ માટે તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીને આ જવાબદારી સોંપી છે. આ સિવાય પાકિસ્તાન ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી અઝહર મહમૂદ બંને ફોર્મેટમાં સહાયક કોચની ભૂમિકા ભજવતો જોવા મળશે.
ગેરી કર્સ્ટન હાલમાં IPLમાં વ્યસ્ત છે
2011માં જ્યારે ભારતીય ટીમે ICC ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો ત્યારે ગેરી કર્સ્ટન મુખ્ય કોચની ભૂમિકામાં હતા. કર્સ્ટન હાલમાં IPLની 17મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમના કોચિંગ સ્ટાફનો હિસ્સો છે અને તે ટૂર્નામેન્ટ સમાપ્ત થયા બાદ જ પાકિસ્તાની ટીમ સાથે જોડાઈ શકશે. કર્સ્ટન 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે. પીસીબીએ કર્સ્ટનને 2 વર્ષ માટે ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપી છે. ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળવા ઉપરાંત ગેરી કર્સ્ટને દક્ષિણ આફ્રિકાની ટીમના મુખ્ય કોચની ભૂમિકા પણ નિભાવી છે.
જેસન ગિલેસ્પી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળશે.
PCBએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીને ટેસ્ટ ફોર્મેટ માટે નિયુક્ત કર્યા છે. ગિલેસ્પીએ અત્યાર સુધી બિગ બેશ લીગ, ધ હન્ડ્રેડ અને કાઉન્ટીમાં ટીમોના મુખ્ય કોચ તરીકે સેવા આપી છે. ગિલેસ્પી મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીથી શરૂ કરશે. આ પછી પાકિસ્તાની ટીમે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે પણ ટેસ્ટ શ્રેણી રમવાની છે.