ઉત્તર કોરિયાએ બુધવારે તેના પૂર્વ કિનારે હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, પરંતુ તે લોન્ચ કર્યા પછી તરત જ હવામાં વિસ્ફોટ થયો હતો. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઈલ પ્યોંગયાંગ નજીકથી છોડવામાં આવી હતી.
જાપાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મિસાઈલ લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ અને 200 કિલોમીટરથી વધુની રેન્જ સુધી પહોંચી હતી. દક્ષિણ કોરિયા, યુએસ અને જાપાનના વરિષ્ઠ અધિકારીઓએ પ્રક્ષેપણની નિંદા કરી અને તેને યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન અને શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો ગણાવ્યો.
અમેરિકન ઈન્ડો-પેસિફિક કમાન્ડે કહ્યું છે કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ પહેલા ઉત્તર કોરિયાએ 30 મેના રોજ પણ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.
ઉત્તર કોરિયાએ આ અઠવાડિયે દક્ષિણ કોરિયા અને જાપાન સાથે સંયુક્ત અભ્યાસ માટે યુએસ એરક્રાફ્ટ કેરિયરની તૈનાતીની ટીકા કરી હતી.
આ મિસાઇલ પ્રક્ષેપણ કોરિયન યુદ્ધની શરૂઆતની 74મી વર્ષગાંઠના એક દિવસ બાદ કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સમિટમાં પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.