પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક જિલ્લા અદાલતે ગુરુવારે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીની ગેરકાયદેસર નિકાહ કેસમાં તેમને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ કારણે હવે ઈમરાન ખાન માટે જલ્દી જેલમાંથી બહાર આવવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 3 ફેબ્રુઆરીના રોજ જિલ્લા અને સત્ર અદાલતે આ કેસમાં દંપતીને સાત વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
આ કેસ સામાન્ય રીતે ઇદ્દત કેસ તરીકે ઓળખાય છે. ઇદ્દત એ સમયગાળો છે જે મુસ્લિમ મહિલાએ તેના પતિના મૃત્યુ અથવા છૂટાછેડા પછી ફરીથી લગ્ન કરતા પહેલા પસાર કરવો જોઈએ. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અફઝલ મજોકાએ કેસની સુનાવણી કર્યા બાદ મંગળવારે ચુકાદો અનામત રાખ્યો હતો. ન્યાયાધીશે ગુરુવારે ભરચક કોર્ટરૂમમાં ચુકાદો આપ્યો કે દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવે છે. આ નિર્ણયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ દંપતીની મુક્તિ માટેના પ્રયાસોને ફટકો પડ્યો છે.
ઈમરાન વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે
પૂર્વ વડાપ્રધાન ખાન (71) સામે અનેક કેસ નોંધાયેલા છે જ્યારે તેમની પત્ની બુશરા (49) પણ અનેક કેસોનો સામનો કરી રહી છે. ગેરકાયદે નિકાહનો કેસ બુશરા બીબીના પૂર્વ પતિ ખાનવર માણેકાએ નવેમ્બર 2023માં દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે બુશરાએ ઇદ્દતની ફરજિયાત અવધિ પૂર્ણ કર્યા વિના ખાન સાથે લગ્ન કર્યા હતા. મેનકાએ ખાન અને બુશરાના લગ્નને રદ કરવાની અપીલ કરી હતી. ખાન અને બુશરા બીબીના લગ્ન 2018માં થયા હતા. બુશરા ઈમરાન ખાનની ત્રીજી પત્ની છે.