ગુજરાતના દાહોદ અને આણંદ વચ્ચે દોડતી મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. આ દરમિયાન એન્જિન સહિત બે કોચ બળીને રાખ થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
જો કે ટ્રેનમાં આગ લાગવાના સમાચાર મળતા જ રેલવે તંત્ર અને ફાયર બ્રિગેડ તંત્ર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
મુસાફરોને સમયસર સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ, આજે સવારે દાહોદથી આણંદ જતી દાહોદ-આણંદ મેમુ ટ્રેનના જેકોટ પાસે એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. આ પછી એન્જિનના ભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ પછી, પાઇલટ સહિત ટ્રેન સ્ટાફે ટ્રેનના એન્જિનના પાછળના ભાગમાં આવેલા કોચમાં બેઠેલા તમામ મુસાફરોને તરત જ નીચે ઉતરવા કહ્યું.
આ પછી તમામ યાત્રીઓ ટ્રેનમાંથી ઉતરીને સલામત સ્થળે ગયા હતા. આ દરમિયાન એન્જિનની પાછળના બે ડબ્બામાં પણ આગ લાગી હતી.
તમામ મુખ્ય રૂટની ટ્રેનો પ્રભાવિત
રેલ્વે સ્ટાફે મદદ માટે રેલ્વે વિભાગ અને ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ દાહોદ ફાયર બ્રિગેડના જવાનો સહિત રેલ્વે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા અને આ દરમિયાન વીજ લાઈનો બંધ થઈ ગઈ હતી. આ પછી મુખ્ય રૂટ પરની ટ્રેનોના સમયને પણ અસર થઈ હતી. પ્રશાસને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.