ચીનના શિનજિયાંગમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રના અકી કાઉન્ટીમાં સવારે 6:27 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર 41.15 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 78.67 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.
કોઈ નુકસાન નથી
સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાનના કોઈ અહેવાલ નથી. સમાચાર એજન્સી IANS અનુસાર, બચાવ કામગીરી માટે બે વાહનો અને 10 કર્મચારીઓને સેવામાં લગાવવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી.
એક અઠવાડિયા પહેલા ભૂકંપ આવ્યો હતો
ચીનના કિર્ગિસ્તાન-શિનજિયાંગ સરહદી વિસ્તારમાં ગત મંગળવારે 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જોરદાર આંચકાના કારણે ઘણા લોકો ઘાયલ થયાના અને મકાનો ધરાશાયી થયાના અહેવાલો પણ છે. તે દરમિયાન ટૂંકા ગાળામાં 40 જેટલા આંચકા અનુભવાયા હતા. ચીનના વેઇબો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના નેટીઝન્સે જણાવ્યું હતું કે ઉરુમકી, કોર્લા, કાશગર, યિંગ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.