હિન્દુ ધર્મ અનુસાર મર્યા બાદ મુખ્યરૂપે આત્માની ત્રણ પ્રકારની ગતિ હોય છે. 1- ઉર્ધ્વ ગતિ, 2-સ્થિર ગતિ અને 3- અધોગતિ. આ ત્રણ ગતિઓને અગતિ અને ગતિમાં વિભાજિત કરવામાં આવી છે. આત્મહત્યા શબ્દ જ ખોટો છે. આ શબ્દ ખૂબ જ બોલવામાં આવી રહ્યો છે. હત્યા શરીરની થાય છે, આત્માની કોઈ દિવસ હત્યા કરી શકાતી નથી. જેને સ્વઘાત કે દેહહત્યા કહી શકાય છે. અન્ય લોકોની હત્યા કરવાથી બ્રહ્મદોષ લાગે છે, પરંતુ આપઘાત કરવો તે ખૂબ જ મોટો અપરાધ છે. આ શરીરે તમને આ સંસારમાં રહેવા માટે જગ્યા આપી છે. સંસારને જોવા, સાંભળવા અને સમજવાની શક્તિ આપી છે. આ શરીરની મદદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ છે અને તે જ શરીરની હત્યા કરવી ખૂબ જ મોટો અપરાધ છે.
ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આપઘાતને નિંદનીય અપરાધ માનવામાં આવે છે. ધર્મ અનુસાર અનેક યોનિ બાદ માનવ જીવન પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાં મનુષ્ય જીવનને વ્યર્થ રીતે જવા દેવું તે મૂર્ખતા અને અપરાધ છે.
આપઘાત કરનાર વ્યક્તિની આત્મા આપણી વચ્ચે જ ભટકતી રહે છે. આ આત્માને સ્વર્ગ કે નર્ક કંઈ પ્રાપ્ત થતું નથી અને પુનર્જન્મ પણ મળતો નથી. આ પરિસ્થિતિમાં આત્મા અધવચ્ચે જ ભટકતી રહે છે. જ્યાં સુધી આ આત્માનું સમયચક્ર પૂર્ણ ના થાય ત્યાં સુધી તેને કોઈ ઠેકાણું મળતું નથી. આપઘાત કર્યા બાદ જીવન ખૂબ જ કષ્ટદાયી બની જાય છે. જીવનચક્રને સમજવું ખૂબ જ જરૂરી છે. જે રીતે ફળ પૂર્ણ રીતે પાકેલું ના હોય ત્યાં સુધી ખાવાલાયક બનતું નથી. ફળ પાકી જાય ત્યારબાદ તે વૃક્ષ બનવાની પ્રક્રિયામાં આગળ વધે છે. આ પ્રકારે આયુ પૂર્ણ કરીને મૃત્યુ પામેલા વ્યક્તિ સારા જીવનની ગતિમાં આગળ વધે છે.
માનવજીવનના 7 ચરણ હોય છે. પ્રાકૃતિક પ્રક્રિયા અનુસાર એક ચરણ પૂર્ણ થયા બાદ જ બીજુ ચરણ શરૂ થાય છે. જે માટે એક સમય અને એક ક્રમ હોય છે. આ પરિસ્થિતિમાં જો કમોત આવે તો ક્રમમાં ગરબડ થવા લાગે છે. જે વ્યક્તિઓનું મૃત્યુ પ્રાકૃતિક કારણોસર થાય છે તેમની આત્મા ભટકતી નથી. નિયમ અનુસાર તેમના જીવનના 7 ચરણ પૂર્ણ થઈ ગયા હોય છે. જે લોકોનું મૃત્યુ આપઘાતને કારણે થાય છે તેઓ જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી. જેથી તેઓ અધવચ્ચે જ રહી જાય છે.
- મર્યા બાદ બીજું શરીર ક્યારે મળે છે?
ઉપનિષદ અનુસાર મનુષ્ય હોય કે પ્રાણી, કેટલીક આત્માઓને તાત્કાલિક બીજુ શરીર મળી જાય છે. પુરાણો અનુસાર મર્યા બાદના ત્રણ દિવસમાં વ્યક્તિ બીજું શરીર ધારણ કરી લે છે, જેથી તે વ્યક્તિનું ત્રીજુ કરવામાં આવે છે. કેટલીક આત્માઓ 10 દિવસ અને કેટલીક આત્માઓ 13 દિવસમાં બીજુ શરીર ધારણ કરી લે છે. આ કારણોસર તે વ્યક્તિનું દસમું અને તેરમું કરવામાં આવે છે. કેટલીક આત્માઓ સવા મહિને એટલે કે, 37 થી 40 દિવસમાં બીજુ શરીર ધારણ કરી લે છે.
ઘણા ઓછા લોકો હોય છે, જેમને 40 દિવસ બાદ પણ બીજું શરીર મળતું નથી. ઘટના, દુર્ઘટના અથવા આપઘાત કર્યો હોય તેવી વ્યક્તિઓને મુક્તિ જલ્દી મળતી નથી.આ પ્રકારના લોકો પ્રેત અથવા પિતૃયોનિમાં પ્રવેશ કરે છે, જેથી એક વર્ષ બાદ તેમની વરસી મનાવવામાં આવે છે. જેથી ત્રણ વર્ષ બાદ તેમનું ગયામાં વિસર્જન કરવામાં આવે છે. જેથી જો તેઓ પ્રેત અથવા પિતૃયોનિમાં હોય તો હવે ગયામાં જ રહેવું જોઈએ, જ્યાંથી તે વ્યક્તિને મોક્ષ મળે છે.