International News: અમેરિકામાં બાલ્ટીમોર બ્રીજ ટ્રેજડી પછી સેલીસૉ પાસે, આર્કન્સાસ નદી ઉપરના બ્રીજ સાથે બાર્જ અથડાતાં સેલીસૉથી દક્ષિણનો તમામ ટ્રાફિક બંધ કરાયો છે, અને ટ્રાફિકને અન્ય માર્ગે ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. કારણ કે, સાઉથ-યુ.એસ. હાઈવે નં. ૫૯ બંધ કરી દેવો પડયો છે. જો કે, આ અકસ્માતને લીધે કોઇને ઈજા થઇ હોવાનું હજી સુધી જાણવા મળ્યું નથી.
આ અંગે ઑકલા હોલા સ્ટેટ પેટ્રોલે શનિવારે જણાવ્યું હતું કે આજે બપોરે ૧.૨૫ કલાકે આ દુર્ઘટના બની હતી. તે ખબર મળતાં જ સ્ટેટ પોલીસ પેટ્રોલ ત્યાં પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને ડાઈવર્ટ કરવાની વ્યવસ્થા હાથ ધરી હતી. આ માહિતી આપતાં સ્ટેટ પોલીસ પ્રવક્તા સારાહ સ્ટેવર્ટે કહ્યું કે, આ દુર્ઘટનાથી કોઇને ઇજા પણ થઇ હોવાનું હજી સુધી જાણવા મળ્યું નથી.
આર્કન્સાસ નદી જ્યાં રોબર્ટ એસ કેશ રીઝવૉયર (તળાવ) માં ઠલવાય છે. તે સ્થળ નજીક જ આ બ્રીજ નદી ઉપર બાંધવામાં આવ્યો છે.
આશ્ચર્ય તે વાતનું છે કે બાર્જ બ્રીજ સાથે (બ્રીજના એક પીલર સાથે) કઇ રીતે અથડાઈ ગયું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
બીજી તરફ મેરીલેન્ડમાં પેટેપ્સ્કો નદી પરના બ્રીજના થાંભલા સાથે વિશાળ કાર્ગો શિપ અથડાયા પછી ભાંગી ગયેલા બ્રીજનાં સ્ટીલ વર્કને ઉઠાવવા માટે શનિવારે ઇજનેરો કાર્યરત બની ગયા છે. આ બ્રીજ (બાલ્ટીમોરબ્રીજ) ફરી બાંધવા માટે મેરીલેન્ડને ફેડરલ રીઝર્વમાંથી ૬૦ મીલીયન ડોલર્સ આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.