અમદાવાદના સોલા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા બનેલા હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. બીએમડબલ્યુ કાર ઝડપી ગતિએ ચલાવી રહેલા બિલ્ડરના પુત્રએ ફરવા નીકળેલા દંપતીને ટક્કર મારી હતી, જેના કારણે બંનેને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી સત્યમ અકસ્માત સ્થળથી દોઢ કિલોમીટર દૂર કાર છોડીને ભાગી ગયો હતો. પોલીસ તેને ટ્રેક ન કરી શકે તે માટે તેણે પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે, ત્રણ દિવસની મહેનત બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો.
હિટ એન્ડ રનને અંજામ આપ્યા બાદ સત્યમ તેના પરિવાર સાથે છેલ્લીવાર વાત કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ઘર અને તેના મિત્રોના ઘરે પણ તપાસ હાથ ધરી હતી. આ પછી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને સત્યમ રાજસ્થાનનો હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસે તેની ત્યાંથી ધરપકડ કરી હતી.
સત્યમ શર્મા કોની મદદથી રાજસ્થાન પહોંચ્યો અને રાજસ્થાનમાં ક્યાં રોકાયો તેની તપાસ પોલીસ કરશે. સત્યમ શર્માને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એન ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપવામાં આવશે, ત્યારબાદ સોલા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી શકે છે કારણ કે સત્યમ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ છે. તમને જણાવી દઈએ કે પોલીસ તપાસમાં સત્યમ શર્મા વિરુદ્ધ મારામારી સહિત અનેક કેસ નોંધાયા હોવાની માહિતી પણ મળી છે. સત્યમના પિતા શ્રીકૃષ્ણ શર્માએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમના પુત્રનો અકસ્માત થયો હતો અને તેના માટે ઠપકો આપતાં તેમનો પુત્ર ક્યાંક ચાલ્યો ગયો હતો.
પોલીસ તપાસ મુજબ, સત્યમ શર્મા 1 માર્ચના રોજ તેના મિત્ર મહાવીર સાથે BMW કારમાં નીકળ્યો હતો, જ્યારે તેણે કારમાં બેસીને અંગ્રેજી શરાબ પણ પીધો હતો. તે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને તે દરમિયાન તેણે સોલા ઓવર બ્રિજ પર ચાલતા દંપતીને ઉડાવી દીધું હતું. લગભગ ત્રણ મહિના પહેલા ડિસેમ્બરમાં પણ સોલા પોલીસે તેની પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી.