Ahmedabad News: અમદાવાદ યુનિવર્સિટી નજીક સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ દ્વારા બાતમીને આધારે એક યુવકને ચરસ અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક તેના ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવ્યો હતો. આ અંગે SOGએ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PSI એફ એન બેલિમ અને તેમનો સ્ટાફ એ જી સ્કૂલ પાસે પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, અમદાવાદ યુનિવર્સિટીના AMTS બસ સ્ટેન્ડ પાસે એક યુવક ડ્રગ્સ વેચાણ માટે આવ્યો છે.
જે બાતમીને આધારે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં વસીમખાન મકસુદખાન પઠાણને ઝડપીને તલાશી લેતા તેની પાસેથી ચરસ અને MD ડ્રગ્સના બે પાઉચ મળી આવ્યા હતા.
આ અંગે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખાનપુરમાં રહેતા મોઈન પાસેથી અને ચરસ આણંદ રેલવે સ્ટેશન બહારથી રાકીબ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ વસીમખાન આ વિસ્તારમાં યુવાનોને તેમજ વિદ્યાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જેથી પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જેમાં ડ્રગ્સ સપ્લાયના મોટા ખુલાસા થવાની શક્યતા છે.’