- સરકારશ્રીની જમીન જૂનાગઢ મનપાએ બારોબાર વેચી મારી
- ૩૨ સભ્યોની બહુમતી ઠરાવ કરીને જમીન વેંચી નાખ્યાનો મુદ્દો
- કલેક્ટર અને કમિશ્નરને લિગલ નોટીસ ફટકારાઇ
જૂનાગઢ મહાનગર પાલીકાની રચના કરવામાં આવી હતી. ત્યારે આસપાસના સાત જેટલા ગામને મહાનગરમાં ભેળવવામાં આવ્યાં હતાં. આ સાત ગામ પૈકી ટીંબાવાડી ગામનો પણ સમાવેશ થયો હતો. આ ગામ મહાનગરમાં મળ્યા હતાં. પરંતુ ગામતળની જમીન સરકારશ્રી હસ્તક હતી. પરંતુ મહાનગર બન્યા બાદ નેતાઓ, બિલ્ડરો અને અધિકારીઓએ મળીને આડેધડ બાંધકામ કરી દીધા છે. સરકારશ્રીની જમીન ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યાં છે.
ટીંબાવાડીમાં સરકારશ્રીની જમીન ઉપર થયેલા બાંધકામનો વિવાદ ઉભો થયો છે. ટીંબાવાડીમાં સરકારશ્રીની જમીનની મહાનગર પાલીકાએ હરાજી કરી બિલ્ડર ને વેચી મારી હતી. બિલ્ડરે મકાન બનાવી લોકોને વેચી દીધા છે. હવે લોકોના નામે મિલકત ન થતા મહાનગર આ રૂપિયા સરકારશ્રીમાં ભરવાની તૈયારી બતાવી છે.
આ પ્રકરણને લઇ કલેકટર અને કમિશ્નરને લિગલ નોટીસ ફટકારવામાં આવી છે. તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર તત્કાલીન અધિકારીઓ અને તત્કાલીન પદાધિકારીઓ દ્વારા એકસંપ થઇ અને સરકારશ્રીની માલીકીની જમીન જૂનાગઢ મહાનગરપાલિકાની હોવા બાબતે ખોટા રેકર્ડ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તેમજ આવા ખોટા રેકર્ડના ઉપયોગથી દસ્તાવેજ બનાવ્યાં હતાં.ગુનાહિત કાવતરું ઘડી અને શુધ્ધ-બુધ્ધિથી ગુનો કર્યો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા હદમાં સમાવિષ્ટ મોજે – ટીંબાવાડી ગામતળના રે.સ.નં.૧૧૬ પૈકીની જમીન બાબતે વર્ષ-૨૦૦૫ અને વર્ષ-૨૦૦૬માં બિલ્ડરને વેચી દીધી હતી. જેના પગલે કમિશ્નર અને કલેકટરને નોટીસ આપવામાં આવી છે. અને તમામ જવાબદારો વિરૂધ્ધ દિવસ-૨(બે) માં ગુનો દાખલ કરવા માટે નોટીસ આપી છે.