બાંગ્લાદેશની ટીમે રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 124 રન બનાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશની ટીમે એક ઓવર બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીલંકાની ટીમને હરાવ્યું છે.
બાંગ્લાદેશે મેચ જીતી લીધી હતી
બાંગ્લાદેશ તરફથી લિટન દાસ અને તૌહિદ હિરદોયે શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ખેલાડીઓના કારણે જ બાંગ્લાદેશની ટીમ મેચ જીતવામાં સફળ રહી છે. બાંગ્લાદેશ તરફથી લિટને 36 અને તૌહીદે 40 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ વચ્ચે 63 રનની ભાગીદારી થઈ હતી જે મેચમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી.
જ્યારે તનજીદ હસન 3 રન બનાવીને અને સૌમ્યા સરકાર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. બાંગ્લાદેશની ટીમે 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશની ટીમ આસાનીથી મેચ જીતી જશે. પરંતુ આ પછી શ્રીલંકાના બોલરોએ જોરદાર વાપસી કરી હતી. ત્યારબાદ 15મી ઓવર સુધીમાં ટીમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મહમુદુલ્લાહ અંત સુધી અડગ રહ્યો અને અણનમ રહ્યો. તે 16 રન બનાવીને અણનમ રહ્યો હતો.
શ્રીલંકાના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા
શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ 28 બોલમાં 47 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિન્સે 10 રન અને ધનંજય ડી સિલ્વાએ 21 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન વાનિન્દુ હસરંગા પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. એન્જેલો મેથ્યુઝે 16 રનનું યોગદાન આપ્યું હતું. પથુમ નિસાન્કાની ઈનિંગના કારણે જ શ્રીલંકાની ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી હતી. તેના સિવાય ટીમનો કોઈ બેટ્સમેન વિકેટ પર રહીને બેટિંગ કરી શક્યો નહોતો.
રિશાદે ત્રણ વિકેટ લીધી હતી
બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને 22 રનમાં ત્રણ અને મુસ્તાફિઝુર રહેમાને 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તસ્કીન અહેમદે બે વિકેટ લીધી હતી. તન્ઝીમ હસને તેની ચાર ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. મેચમાં શાનદાર બોલિંગ કરવા બદલ રિશાદ હુસૈનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.