કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા લગભગ પાંચ લાખ OBC પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ સંખ્યાનો મોટો હિસ્સો મુસ્લિમ સમુદાયનો પણ છે. બુધવારે જસ્ટિસ તપોબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ રાજશેખર મંથરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે 2011થી રાજ્યમાં કોઈપણ પ્રમાણભૂત નિયમોનું પાલન કર્યા વિના OBC પ્રમાણપત્રો જારી કરવામાં આવે છે.
ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે આ રીતે OBC પ્રમાણપત્રો જારી કરવું ગેરબંધારણીય છે. કોર્ટે કહ્યું કે આ પ્રમાણપત્રો પછાત વર્ગ આયોગની સલાહને અનુસર્યા વિના જારી કરવામાં આવ્યા છે, તેથી તે તમામ પ્રમાણપત્રો રદ કરવામાં આવે છે. જો કે, કોર્ટે કહ્યું કે આ સમયગાળા દરમિયાન જારી કરાયેલા પ્રમાણપત્રોના આધારે જેમને નોકરી મળી છે તેઓ તેમની નોકરી જાળવી રાખશે.
મે 2011માં પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળ્યા બાદથી મુખ્યમંત્રી મમતા બેનર્જી દાવો કરી રહ્યાં છે કે તેમની સરકારે લગભગ તમામ મુસ્લિમોને OBC કેટેગરીમાં સામેલ કર્યા છે અને મુસ્લિમ સમુદાયની મોટી વસ્તી આ અનામતનો લાભ લઈ રહી છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે વારંવાર આ વાતનું પુનરાવર્તન કર્યું હતું પરંતુ હવે કલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે મમતા બેનર્જી સરકારે 2011થી જે પ્રક્રિયા હેઠળ ઓબીસી પ્રમાણપત્રો જારી કર્યા તે ગેરકાયદેસર હતી.
હાઈકોર્ટે કહ્યું કે ઓબીસીની યાદી પછાત વર્ગ આયોગ અધિનિયમ, 1993 મુજબ તૈયાર કરવામાં આવે. 2010 સુધી જે જ્ઞાતિઓ ઓબીસી સમુદાયની હતી તેમને જ યાદીમાં સામેલ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે આ પછી યાદીમાં ઉમેરવામાં આવેલી જાતિઓને પહેલા વિધાનસભામાં પસાર કરવામાં આવે.