રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આજે બાકીની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે બુધવારે મળેલી પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠકમાં બંને રાજ્યોની બાકીની સીટો માટેના ઉમેદવારોના નામ પર ગહન ચર્ચા થઈ હતી. મોટાભાગની બેઠકોના નામને લઈને સર્વસંમતિ સધાઈ ગઈ છે. બંને ચૂંટણી રાજ્યોના ઉમેદવારોની યાદી ગુરુવારે જાહેર થઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં સામેલ થયા હતા. સીઈસીની બેઠકના પ્રથમ તબક્કામાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અને બાકીની 76 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કામાં તેલંગાણા વિધાનસભા ચૂંટણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
રાજસ્થાનની 76 સીટો પર ચર્ચા દરમિયાન બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત ઘણા નેતાઓ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ આજે એટલે કે ગુરુવારે રાજસ્થાન માટે 40 થી 50 સીટોની યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક બેઠકો પર સર્વસંમતિ સધાઈ શકી નથી, જેના કારણે ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશીના ઘરે બાકીની બેઠકો પર ચર્ચા થઈ હતી. રાજસ્થાન વિધાનસભાની તમામ 200 બેઠકો માટે 25 નવેમ્બરે ચૂંટણી યોજાશે. ભાજપે હજુ સુધી 76 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. ભાજપે રાજ્યમાં સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે.
તેલંગાણામાં 40 થી 45 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે
બીજેપી સીઈસીની બેઠકમાં 119 સભ્યોની તેલંગાણા વિધાનસભા માટે 30 નવેમ્બરે યોજાનારી ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીએ અત્યાર સુધી રાજ્યની 53 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જનસેના પાર્ટીને 8-10 બેઠકો આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રએ જણાવ્યું કે ભાજપ ગુરુવારે 40 થી 45 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. તેમણે કહ્યું કે યાદીમાં ઓબીસી અને મહિલા ઉમેદવારોને મુખ્ય સ્થાન મળી શકે છે.