બોમ્બે હાઈકોર્ટે નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને મની લોન્ડરિંગ કેસમાં તબીબી આધાર પર જામીન આપવાનો ઇનકાર કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફેબ્રુઆરી 2022માં ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા કેસમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. એનસીપી નેતાને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને હાલમાં તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મલિકે તબીબી આધાર પર જામીન માટે અપીલ કરી હતી. તેણે જણાવ્યું કે કિડનીની દીર્ઘકાલિન બીમારી સિવાય તે અન્ય બીમારીઓથી પણ પીડિત છે. જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની સિંગલ બેન્ચે મલિકની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે બે અઠવાડિયા પછી મેરિટના આધારે જામીન માંગતી અરજી પર સુનાવણી કરવામાં આવશે.
મલિકના વકીલ અમિત દેસાઈએ જણાવ્યું કે મલિકની હાલત છેલ્લા આઠ મહિનાથી બગડી રહી છે, તે કિડનીની બિમારીના સ્ટેજ 2 થી સ્ટેજ 3 માં છે. તેણે કોર્ટને વિનંતી કરી કે જો મલિકને આ સ્થિતિમાં રાખવામાં આવે તો તે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ED માટે હાજર રહેલા સોલિસિટર જનરલ અનિલ સિંહે મલિકના જામીનનો વિરોધ કરતા કહ્યું કે તેમને તેમની પસંદગીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.