નીચલી અદાલતમાં બળાત્કારની એફઆઈઆર દાખલ કરવા માટેની તેણીની અરજી ફગાવી દેવાયા બાદ બલ્ગેરિયાની એક ફ્લાઇટ એટેન્ડન્ટે ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) સામે એક મહિલાએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે.
અમદાવાદ પોલીસને બળાત્કાર અને જાતીય હુમલાની ફરિયાદ નોંધવાની માંગ કરતી અરજી સ્વીકાર્યા પછી, જસ્ટિસ જેસી દોશીએ 13 ઓક્ટોબરે સંબંધિત મેજિસ્ટ્રેટ કોર્ટને આ કેસના રેકોર્ડ અને કાર્યવાહી (R&P) એકત્રિત કરવા જણાવ્યું હતું. હવે જસ્ટિસ એચડી સુથાર 4 ડિસેમ્બરે અરજી પર સુનાવણી કરશે.
એક વર્ષ સુધી કેસ કરવા માટે રઝળપાટ કરી
27 વર્ષીય એટેન્ડન્ટના જણાવ્યા અનુસાર, તેને ફાર્મા કંપનીના સીએમડીએ ઓગસ્ટ 2022માં ફ્લાઈટ એટેન્ડન્ટ અને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે નોકરી પર રાખ્યો હતો. ફેબ્રુઆરી 2023માં રાજસ્થાનની મુલાકાત દરમિયાન બિઝનેસમેને તેના પર જાતીય ટિપ્પણી કરી હતી. થોડા દિવસો પછી, જમ્મુની મુલાકાત દરમિયાન, ફાર્મા કંપનીના સીએમડીએ અન્ય લોકોની હાજરીમાં તેની સાથે બળાત્કાર કર્યો.
બલ્ગેરિયન નાગરિકે દાવો કર્યો હતો કે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો ન હતો. પીડિતાએ થોડા મહિના પહેલા સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીએ પરમારે 3 ઓક્ટોબરે તેની અરજી ફગાવી દીધી હતી.
પોલીસ સ્ટેશનમાં એફિડેવિટ પર બળજબરીથી સહી કરાવી હતી
હાઈકોર્ટ સમક્ષની તેણીની તાજેતરની અરજીમાં, પરિચારિકાએ આરોપ મૂક્યો છે કે પોલીસ અધિકારીઓએ વેપારીને બચાવવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક એફિડેવિટ પર સહી કરવા દબાણ કર્યું હતું.