સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી છે. ત્યારે ત્યાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મેઘતાંડવ વચ્ચે પિતા-પુત્રી કારમાં જતા હતા. ત્યારે અચાનક સોનરખ નદીમાં પાણી આવી જતા ગાડી તણાઈ ગઇ હતી. જેમાં પરણિત દીકરી દીપચંદા રાઠોડ તણાઇ ગયા હતા. યુવાન દીકરીનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દિપચંદાબેન ભરતભાઇ રાઠોડ ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર હતા. તેમના પતિ ભરતભાઇ રાઠોડ માણાવદરના ખાંભલામાં એગ્રી યુનિવર્સિટીમાં કામ કરે છે. દિપચંદાબેન કામને કારણે પિતાની સાથે રહેતા હતા અને રજાના દિવસે પતિ પાસે જતા હતા. દિપચંદાબેન કોલેજ પુરી કરી પોતાના પિતા સાથે કારમાં આવી રહ્યા હતા. તે દરમિયાન ભરડાવાવ પાસે એક દીવાલ પડી હતી. જે બાદ ત્રણ રિક્ષા, બાઇક, ટેમ્પો પણ તણાયા હતા. દિપચંદાબેનના પિતાએ વરસાદી પાણીમાંથી લોકોની મદદ કરીને તેમને બચાવ્યા પણ હતા.
મળતી માહિતી પ્રમાણે, દરમિયાન આ લોકો એક બીજાનો હાથ પકડીને પસાર થઇ રહ્યા હતા. ત્યાં હાથ છૂટી ગયો અને બધા ફંગોળાયા હતા. દિપચંદાબેન થાંભલો પકડ્યો હતો પરંતુ આઇસર પાણીમાં ફંગોળાઇને આવ્યું હતુ. તેની નીચે દબાઇ જતા આઇશર નીચેથી જ તેમની લાશ મળી આવી હતી. દિપચંદાબેનના ફાધર ચંદુભાઇ ધાધલે અન્ય 2 વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લીધા પરંતુ તેમના દીકરીને બચાવી શક્યા ન હતા.
આ દુખદ ઘટના બાદ પિતાનું કરૂણ કલ્પાંત જોતા કોઇનું પણ હૃદય કંપી ઉઠે. દીકરીના અચાનક મોત બાદ આખા પરિવારમાં દુખનો માતમ છવાયો હતો.