કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અરજી પર સુપ્રીમ કોર્ટ 16 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપશે. હાઈકોર્ટે આ મામલામાં નાયડુ સામેની એફઆઈઆર રદ્દ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. નાયડુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
નાયડુની ગયા વર્ષે 9 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી
જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની સર્વોચ્ચ અદાલતની બેન્ચે ગયા વર્ષે 17 ઑક્ટોબરે નાયડુની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. નાયડુની ગયા વર્ષે 9 સપ્ટેમ્બરે કૌશલ્ય વિકાસ નિગમના ભંડોળના કથિત દુરુપયોગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
આરોપ છે કે 2015માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે આ કૌભાંડમાં રાજ્યની તિજોરીને 371 કરોડનું નુકસાન થયું હતું. નાયડુએ આરોપોને નકારી કાઢ્યા છે. ગયા વર્ષે 20 નવેમ્બરે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે તેમને આ કેસમાં જામીન આપ્યા હતા.