ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આડેધડ પાર્કિંગ અને દબાણની સમસ્યાઓ છે. ત્યારે મનપા દ્વારા બંને સમસ્યાઓનું સમાધાન મળે તે દિશામાં પ્રયત્નો શરૂ કરાયા છે. જેમાં સ્થાયિ સમિતિ દ્વારા છ મહિના પહેલાં એટલે કે 4 સપ્ટેમ્બર 2022ના રોજ પાર્કિંગ તથા સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કામગીરી સોંપાઈ હતી. શહેરની ટ્રાફિકની સમસ્યા તેમજ ગેરકાયદેસર લારી-ગલ્લાનાં દબાણોના પ્રશ્નોના નિવારણ થાય તે માટે અમદાવાદ સ્થિત અર્બન મેનેજમેન્ટ કન્સલટન્ટને કામગીરી સોંપાયેલી છે.
જેમાં પાર્કિંગ પોલિસીમાં એજન્સી દ્વારા શહેરમાં ક્યાં કેટલો ટ્રાફીક રહે છે, ક્યાં પાર્કિંગની વધુ જરૂરિયાત છે, ક્યાં પેઈડ પાર્કિગ અને ક્યાં ફ્રી પાર્કિંગ ઉભા કરી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જ્યારે સ્ટ્રીટ વેન્ડરનો માસ્ટર પ્લાનમાં હાલની સ્થિતિએ વેન્ડર્સ માટે 22 જેટલા સ્થળ નક્કી કરાયા છે. જેમાં વેન્ડર્સ માટે જગ્યા નક્કી કરાઈને પેવરબ્લોક સહિતની સુવિધા આપવાનું આયોજન કરાયું છે. સેક્ટર-21 માર્કેટ, સેક્ટર-24 માર્કેટ, સેક્ટર-7 સિવાયના વાવોલ, પેથાપુર, કુડાસણ, ભાટ, સુઘડ, સરગાસણ, કોબા, ખોરજ સહિતના વિસ્તારોમાં કુલ 22 સ્થળો પર કામગીરી કરાશે. જેમાં શક્ય હશે ત્યા સુધી હયાત માર્કેટનો જ વિકાસ કરીને આડેધડ થતાં દબાણો હટાવીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
6 મહિનામાં પ્લાન પૂર્ણ કરીને અમલીકરણ શરૂ કરવા સૂચના
શુક્રવારે સ્ટ્રીટ વેન્ડિંગ અને પાર્કિંગ પોલિસીની કામગીરીને લઈને કોર્પોરેશન ખાતે બેઠક મળી હતી. જેમાં મેયર હિતેશ મકવાણા, સ્ટે. ચેરમેન જશવંત પટેલ, કમિશનર, ડે. કમિશનર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એજન્સીને છ મહિનામાં સંપૂર્ણ પ્લાન તૈયાર કરીને તેનું તેનું થઈ શકે તેવું અમલીકરણ શરૂ કરવા એજન્સીને સૂચના અપાઈ છે.
શહેરનો પાર્કિંગ માસ્ટરપ્લાનઃ શહેરને વિવિધ ઝોનમાં વિભાજીત કરી ઝોન વાઈઝ લોકલ એરિયા લેવલ પર કરેલ આકારણી દ્વારા ડેટેલ્ડ પાર્કિંગ માસ્ટર પ્લાન તૈયાર કરાશે. હયાત પાર્કિંગનું અમલીકરણ : જે તે મકાનોમાં બાંધકામ પરવાનગી વખતે મંજૂર કરાયેલી પાર્કિંગની જગ્યામાં જ પાર્કિંગ થાય તેવા પગલાં લેવાશે પાર્કિંગ ફી લેવાશેઃ વિસ્તારોને આધારે પાર્કિંગ માટે વપરાતી જમીનોની કિંમત તથા અન્ય બાબતો ધ્યાને લઇ પાર્કિંગના દર નક્કી થશે. ઓનસ્ટ્રીટ પાર્કિંગ પર નિયંત્રણઃ ઓનસ્ટ્રીટ પાર્કિંગની ફેસિલિટી જ્યાં તે અપાય ત્યાં ટ્રાફિક અને જાહેર પરિવહનની પ્રાધાન્ય અપાશે. ઓફસ્ટ્રીટ પાર્કિંગને પ્રોત્સાહનઃ જે સ્થળે પાર્કિંગ આપવાની જરૂર જણાય ત્યાં ઓફસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા અપશે.