યુકેના વડાપ્રધાન ઋષિ સુનકના ઘર સાથે કાર ટકરાઈ. અથડામણ સમયે પીએમ સુનક ઘરમાં હાજર હતા. આ ઘટના લંડનની 10 ડાઉનિંગ સ્ટ્રીટના મુખ્ય દરવાજાની છે, જ્યાં બ્રિટિશ વડાપ્રધાનનું ઘર અને ઓફિસ આવેલી છે. કારની ટક્કરની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક રસ્તો બંધ કરી દીધો હતો.
આ ઘટના વધુ ચિંતાજનક છે કારણ કે 4 દિવસ પહેલા એક ટ્રક અમેરિકન વ્હાઇટ હાઉસના બેરિયર સાથે અથડાઈ હતી અને પકડાયેલા ટ્રક ડ્રાઈવરે કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ જો બિડેનને મારવા માંગે છે. ટ્રક ડ્રાઈવરની ઓળખ 19 વર્ષીય વર્ષિત કંડુલા તરીકે થઈ હતી, જે ભારતીય મૂળનો હતો. જો કે તેની ટ્રકમાંથી કોઈ હથિયાર કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. આ ઘટનાની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી.
ફૂટેજમાં સફેદ કાર દેખાઈ રહી છે
તે જ સમયે, હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના ઘરે કારની ટક્કર અંગે ચર્ચા ચાલી રહી છે. ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ ત્યાંથી સામે આવ્યો છે, જેમાં એક સફેદ રંગની કાર સુનકના ઘરના મુખ્ય દરવાજા સાથે અથડાતી જોવા મળે છે. ઘટના બાદ નજીકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા મીડિયાકર્મીઓ ત્યાં હાજર હતા.
બ્રિટિશ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી
બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસે આ કારના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. અને તપાસ બાદ વધુ તપાસ માટે કાર કબજે લેવામાં આવી છે.