જૂનાગઢમાં ગત રાત્રિથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. દરગાહને નોટીસ આપવામાં આવતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. દેખાવકારોએ પોલીસ ચોકી પર હુમલો કર્યો છે. ટોળાએ પોલીસ પ્રશાસન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ડીએસપી સહિત ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અહીં પથ્થરમારામાં એક નાગરિકનું પણ મોત થયું છે. મોટી કાર્યવાહી કરતા પોલીસે 174 લોકોને કસ્ટડીમાં લીધા છે.
પોલીસે હિંસાને ડામવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા, એસપીએ ઘટના વિશે માહિતી આપી
એસપી જૂનાગઢ રવિ તેજા વસમસેટ્ટીએ જણાવ્યું કે, મજેવડી ગેટ પાસે આવેલી મસ્જિદને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 5 દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. શુક્રવારે લગભગ 500-600 લોકો ત્યાં એકઠા થયા હતા. પોલીસ તેમને રસ્તો ન રોકવા સમજાવતી હતી. રાત્રે લગભગ 10.15 વાગ્યે પથ્થરમારો થયો અને લોકો પોલીસ પર હુમલો કરવા આવ્યા. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. 174 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ એક નાગરિકનું મોત પથ્થરમારાને કારણે થયું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તે સ્પષ્ટ થશે. વધુ તપાસ ચાલુ છે.
ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી
દરગાહને નોટિસ આપવામાં આવી હોવાનો વિરોધ કરી રહેલા લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ પ્રશાસને પણ બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે ભીડને હટાવવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ ઘટનાસ્થળે ભારે તંગદિલીનો માહોલ છે. વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z
— ANI (@ANI) June 17, 2023
શું બાબત છે ?
ઉપરકોટ એક્સટેન્શનમાં આવેલી દરગાહને ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી. જે બાદ વિસ્તારના લોકો તેની વિરુદ્ધ ગયા હતા. હજારો લોકો પ્રશાસન સામે વિરોધ કરવા નીકળ્યા હતા. ગુરુવાર અને શુક્રવારે પોલીસ અને ભીડ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.