જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પશ્ચિમ કિનારે સોમવારે (નવા વર્ષ 2024ના પ્રથમ દિવસે) આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ધ જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સંખ્યા હવે વધીને 13 થઈ ગઈ છે. 5.7 થી 7.6 ની તીવ્રતાનો ભૂકંપ ઇશિકાવા પ્રીફેકચરના નોટો પેનિન્સુલામાં સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યા પછી (7 p.m. GMT) આવ્યો હતો, જેના કારણે ઇમારતો ધરાશાયી થઈ હતી અને ઘણા આફ્ટરશોક્સ આવ્યા હતા.
ઇશિકાવા પ્રીફેક્ચરમાં બે લોકોના મોત અને અન્ય સાત લોકો ઘાયલ થયા હોવાનું ક્યોડો ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. પાડોશી તોયામા પ્રીફેક્ચરમાં 15, ફુકુઇ પ્રીફેક્ચરમાં 55, નિગાતા પ્રીફેક્ચરમાં 2 અને ગિફુ પ્રીફેક્ચરમાં એક વ્યક્તિ ઘાયલ થયા છે.
હોન્શુના પૂર્વ કિનારે છેક ટોકિયો સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે હાઈ-સ્પીડ રેલ સેવાઓ બંધ થઈ ગઈ હતી અને હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જાહેર પ્રસારણકર્તા NHKએ અહેવાલ આપ્યો છે કે હોકુરીકુ ઈલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું હતું કે ઈશિકાવામાં લગભગ 33,000 ઘરો વીજળી વગરના હતા.
જાપાનની હવામાનશાસ્ત્ર એજન્સીએ એક ડઝનથી વધુ ભૂકંપની જાણ કરી હતી, જેમાંથી સૌથી મોટો ભૂકંપ 7.6 ની તીવ્રતાનો હતો, જે સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યા પછી તરત જ ઇશિકાવાના દરિયાકાંઠાના પ્રદેશ અને આસપાસના પ્રીફેક્ચરને અથડાયો હતો. ભૂકંપના કારણે જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પશ્ચિમ કિનારે આગ અને ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. પરંતુ કેટલા લોકો ઘાયલ થયા હશે તે સ્પષ્ટ નથી.
એજન્સીએ શરૂઆતમાં ઇશિકાવા માટે એક મોટી સુનામી ચેતવણી અને હોન્શુ ટાપુના બાકીના પશ્ચિમ કિનારા અને હોક્કાઇડોના દૂરના ઉત્તરીય પ્રદેશ માટે નીચા સ્તરની સુનામી ચેતવણી અથવા સલાહ જારી કરી હતી. કેટલાક કલાકો પછી ચેતવણીને નિયમિત સુનામીમાં બદલવામાં આવી હતી, એટલે કે પાણી હવે ત્રણ મીટર (10 ફૂટ) સુધી પહોંચી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી થોડા દિવસોમાં આ વિસ્તારમાં આફ્ટરશોક્સ આવી શકે છે.
આ પહેલા જાપાનના સરકારી પ્રસારણકર્તા ‘એનએચકે ટીવી’એ ચેતવણી આપી હતી કે દરિયામાં પાંચ મીટર સુધી મોજા ઉછળી શકે છે. NHK ટીવીના જણાવ્યા અનુસાર, સુનામીના મોજા ફરી વળતા રહેશે તેવી આશંકા છે અને પ્રારંભિક ચેતવણી બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી. પ્રદેશમાં અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા.