આઈપીએલ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ભલે ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ આજે પણ તે ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. આઈપીએલની 15મી સિઝનમાં ટીમ 9મા ક્રમે રહી, ત્યાંથી તેણે 16મી સિઝનમાં ટીમોને પાંચમું ટાઈટલ જીતીને લીગના ઈતિહાસમાં સંયુક્ત સૌથી સફળ ટીમ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ખાસ વાત એ છે કે આ સિઝનના પ્રારંભિક તબક્કામાં ધોની ઘૂંટણની સમસ્યાથી પરેશાન જોવા મળ્યો હતો. આના કારણે ઘણી અટકળો થઈ હતી કે ધોની બહાર થઈ જશે, આ તેની છેલ્લી સિઝન હતી પરંતુ ચેમ્પિયને તેની ટીમને ડગમગવા ન દીધી.
તે ઘૂંટણના દુખાવા સાથે રમ્યો હતો અને આખી સિઝનમાં એક પણ મેચ ચૂક્યો નહોતો. આટલું જ નહીં દરેક મેચમાં એમએસ ધોનીએ આખી 20 ઓવર માટે વિકેટકીપિંગ પણ કર્યું હતું. આ પોતે જ પ્રશંસનીય છે. આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ માહીને સૌથી મોટો ચેમ્પિયન ગણાવ્યો છે. લક્ષ્મણ શિવરામક્રિષ્નને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું કે ધોની આખી સિઝન એક પગથી રમ્યો, દર્દમાં રમ્યો અને સાથે જ ટીમનું નેતૃત્વ કર્યું. તેની પાસે યોદ્ધાની માનસિકતા છે અને તે અંતિમ ચેમ્પિયન છે.
ધોનીની મુંબઈમાં સર્જરી
ગુરુવારે રાત્રે મળેલી માહિતી અનુસાર, એમએસ ધોની આઈપીએલ ફાઈનલ બાદ અમદાવાદથી સીધા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમના ઘૂંટણની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ પછી તે પોતાના ઘર રાંચી માટે પણ રવાના થયો હતો. હાલ તે આરામ પર રહેશે અને તેના પુનર્વસનની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તે જોવાનું રહેશે. ધોની આખી સિઝન દરમિયાન ઘૂંટણની સમસ્યાથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ચેપોક ખાતેની છેલ્લી લીગ મેચ પછી પણ, તે તેના ઘૂંટણ પર આઈસપેક પહેરીને ભીડને આવકારવા અને મેદાનની આસપાસ ફરતો જોવા મળ્યો હતો. પરંતુ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે સફળ સર્જરી બાદ માહી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
શું ધોની રમશે આગામી IPL?
IPL 2023ની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે આ એમએસ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. તેણે અગાઉની સીઝનમાં કહ્યું હતું કે તે ચેપોકના લોકોની સામે તેની વિદાય ઇચ્છે છે. પરંતુ સીએસકે જે રીતે આ સિઝનમાં રમ્યું અને ધોનીએ તેની કેપ્ટન્સીમાં પાંચમી વખત ટાઈટલ જીત્યું તે જોઈને કદાચ ખુદ ધોનીએ પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. જ્યારે આ વિશે ઘણી વખત પૂછવામાં આવ્યું ત્યારે ધોનીએ કહ્યું કે તે 7-8 મહિના સુધી આ વિશે વિચારશે. આગામી સિઝન માટે હજુ સમય છે. આટલું જ નહીં, તેણે ફાઈનલ બાદ કહ્યું હતું કે, દર્શકોએ જે રીતે તેને સપોર્ટ કર્યો છે તે જોઈને જો તે આગામી આઈપીએલ રમશે તો તે દર્શકોને ભેટ હશે. તે જ સમયે, CSK CEO કાશી વિશ્વનાથને પણ કહ્યું છે કે ધોની ક્યાંય જઈ રહ્યો નથી અને આગામી IPL રમશે.