ગુજરાતમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. આ દરમિયાન કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ આંચકા તાલાલામાં અનુભવાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
બુધવારે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક પછી એક ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ અંગે માહિતી આપતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેના પછી તરત જ 3.4ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો.
ISR અનુસાર, રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં તાલાલાથી 13 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દૂર બપોરે 3.14 વાગ્યે 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ પછી બપોરે 3.18 વાગ્યે 3.4ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી ઉત્તર-પૂર્વમાં હતું. જિલ્લા પ્રશાસને કહ્યું કે જાનહાની કે સંપત્તિના કોઈ સમાચાર નથી.
26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કચ્છ હતું. તે બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. તે ભૂકંપમાં જિલ્લાના મોટી સંખ્યામાં શહેરો અને ગામો લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જે દરમિયાન લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ ઘાયલ થયા હતા.