રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને બદલવામાં આવશે. બીસીસીઆઈએ તાજેતરમાં આ પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. દરમિયાન, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCIએ રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરને મુખ્ય કોચ બનવાની ઓફર કરી હતી.
BCCI સેક્રેટરીનું નિવેદન
શાહે કહ્યું હતું કે , “મેં અથવા બીસીસીઆઈએ કોઈએ પણ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો સંપર્ક કર્યો નથી. કેટલીક મીડિયા ચેનલોમાં ફરતા રિપોર્ટ સંપૂર્ણપણે ખોટા છે.” પોન્ટિંગ અને લેંગર બંને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અનુક્રમે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે સામેલ છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, “આપણી રાષ્ટ્રીય ટીમ માટે યોગ્ય કોચ શોધવો એ એક સાવધાનીપૂર્વક અને ઉંડી પ્રક્રિયા છે. અમે એવી વ્યક્તિઓને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે જેમને ભારતીય ક્રિકેટ માળખાની ઊંડી સમજ હોય અને રેન્કમાં આગળ વધ્યા હોય.” બીસીસીઆઈ સેક્રેટરીએ એ પણ ખુલાસો કર્યો કે ભારતીય સ્થાનિક ક્રિકેટની સમજ હોવી એ આગામી કોચની નિમણૂક માટે એક મહત્વપૂર્ણ માપદંડ હશે. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાને આગલા સ્તર પર લઈ જવા માટે આ સમજ મહત્વની રહેશે.
લેંગર-પોન્ટિંગે કર્યો હતો મોટો દાવો
તાજેતરમાં જસ્ટિન લેંગર અને રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો હતો કે તેમને બીસીસીઆઈ તરફથી મુખ્ય કોચનું પદ સંભાળવાની ઓફર મળી હતી. જોકે, બંનેએ આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી હતી. હવે BCCI સેક્રેટરીએ બંને દિગ્ગજોના દાવાને ફગાવી દીધા છે.
ગંભીર પણ રેસમાં જોડાય છે
ગૌતમ ગંભીર પણ મુખ્ય કોચ માટે દાવેદાર છે. હકીકતમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીસીસીઆઈએ પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સાથે આ મામલે ચર્ચા કરી છે. ગંભીર હાલમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે. તેમના માર્ગદર્શન હેઠળ કોલકાતા ફાઇનલમાં પહોંચી છે. અગાઉ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સ સાથે સંકળાયેલો હતો. તેઓ બે વર્ષ સુધી આ ટીમના મેન્ટર રહ્યો હતો.
ત્રણેય ફોર્મેટમાં એક કોચ હશે
તાજેતરમાં BCCI સચિવ જય શાહે સ્પષ્ટતા કરી હતી કે અલગ-અલગ ફોર્મેટ માટે કોઈ અલગ કોચ નહીં હોય. આવી સ્થિતિમાં ત્રણેય ફોર્મેટ માટે એક જ કોચની શોધ થશે, જે 3.5 વર્ષ માટે ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી સંભાળશે. T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે મુખ્ય કોચના પદ પર રહેવા માટે પણ અરજી કરવી પડશે. બીસીસીઆઈએ અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે નક્કી કરી છે.