ભારતીય કોસ્ટ ગાર્ડે સોમવારે ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં રૂ. 425 કરોડની કિંમતનું 61 કિલો ડ્રગ્સ વહન કરતી પાંચ ક્રૂ સભ્યો સાથેની ઈરાની બોટને અટકાવી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી હતી.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ જણાવ્યું હતું કે, ‘ATS ગુજરાતના ગુપ્ત માહિતીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે ઇરાની બોટને અટકાવી હતી, જેમાં 425 કરોડ રૂપિયાની કિંમતનું 61 કિલો હેરોઇન હતું.
બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહી છે. એટીએસ દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે સોમવારે તેના બે ફાસ્ટ પેટ્રોલ ક્લાસ જહાજો, ICGS મીરા બેહેન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા હતા, એમ સંરક્ષણ વિંગના નિવેદનમાં જણાવાયું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે, ઓખા કિનારેથી લગભગ 340 કિમી દૂર ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે પસાર થતી જોવા મળી હતી. તેમને ICG જહાજો દ્વારા રોકવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ બીજી બાજુએ ચેતવણીને અવગણવામાં આવી હતી અને ઈરાની ક્રૂએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
શોધખોળ બાદ બોટમાંથી 425 કરોડની કિંમતનો 61 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. અખબારી યાદી મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડે એટીએસ સાથે મળીને આઠ વિદેશી જહાજોને અટકાવ્યા અને રૂ. 2,355 કરોડની કિંમતનો 407 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો.