કેરળમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને ઘણા લોકોને રાહત શિબિરોમાં રહેવું પડે છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલારૂપે મંગળવારે શાળા-કોલેજો બંધ રાખી છે. તમને જણાવી દઈએ કે કેરળના કોટ્ટયમ, વાઈકોમ અને ચાંગનાસેરી તાલુકામાં પૂર જેવી સ્થિતિને કારણે 17 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં લગભગ 246 લોકો રહે છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે
કેરળના અલપ્પુઝામાં ભારે વરસાદને કારણે જિલ્લા પ્રશાસને શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જીલ્લાના ચેરથલા અને ચેંગનુર તાલુકામાં રાહત કેમ્પ લગાવવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે પણ કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટયમ અને પથાનમથિટ્ટા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ છ સેન્ટિમીટરથી લઈને 11 સેન્ટિમીટર સુધીનો વરસાદ થઈ શકે છે.
સેંકડો એકર પાક નાશ પામ્યો
કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, રસ્તાઓને નુકસાન થયું છે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જો કે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. ભારે વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સેંકડો એકર પાક નાશ પામ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને તેમના ઘરમાં રહેવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે.