આસામમાં દર વર્ષે પૂર આવે છે અને લાખો લોકો આ પૂરની ઝપેટમાં આવે છે. દર વર્ષે સરકાર પૂરને પહોંચી વળવા સારી વ્યવસ્થાની વાતો કરે છે, પરંતુ થોડો વરસાદ પડતાં જ તેના દાવાઓ પૂરના પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ વર્ષે પણ પૂરના કારણે રાજ્યના અનેક વિસ્તારો ડૂબી ગયા છે. પૂરને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થયા છે. જો કે બુધવારે રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે.
રાજ્યમાં પૂરના કારણે અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.
માહિતી અનુસાર, બુધવારે રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, પરંતુ વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને છ જિલ્લાઓમાં લગભગ 83,000 લોકો હજુ પણ આ કુદરતી આફતથી પ્રભાવિત છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ મુજબ, ગોલપારા જિલ્લાના રોંગજુલીમાં પૂરને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ વર્ષે પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.
ઓથોરિટી અનુસાર, બરપેટા, કામરૂપ, લખીમપુર, નલબારી, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં પૂરથી 82,900 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બરપેટા પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 60,700 લોકો પ્રભાવિત થયા છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર લખીમપુરમાં 18,600થી વધુ લોકો અને સોનિતપુરમાં લગભગ 1,400 લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. મંગળવાર સુધીમાં રાજ્યના સાત જિલ્લાઓમાં લગભગ એક લાખ 20 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
પૂરના કારણે 1859.91 હેક્ટર વિસ્તારમાં પાક નાશ પામ્યો
ઓથોરિટીએ એક દિવસ પહેલા કહ્યું હતું કે બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને આ નદીઓ હવે ક્યાંય પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી નથી. વહીવટીતંત્ર કામરૂપ જિલ્લામાં રાહત શિબિર ચલાવી રહ્યું છે, જ્યાં ચાર લોકોએ આશ્રય લીધો છે. વહીવટીતંત્ર છ જિલ્લામાં 105 રાહત વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યું છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર પૂરને કારણે 395 ગામો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે 1859.91 હેક્ટર વિસ્તારમાં પાક નાશ પામ્યો છે.